<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

અયોધ્યાના GST અધિકારીનો 'U-ટર્ન': રાજીનામું પાછું ખેંચ્યું, પણ ઘરના જ ભેદુએ ખોલ્યો મોરચો!

મુખ્યમંત્રી યોગીના સમર્થનમાં પદ છોડનાર ડેપ્યુટી કમિશનર પ્રશાંત સિંહ ફરી નોકરી પર ચડ્યા; ભાઈએ લગાવ્યો નકલી સર્ટિફિકેટનો આરોપ તો અધિકારીએ ભાઈને ગણાવ્યો 'મુખ્તાર ગેંગ'નો સાગરીત

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા GST અધિકારી પ્રશાંત કુમાર સિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દ્વારા વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીથી 'દુઃખી' થઈને ૨૭ જાન્યુઆરીએ રાજીનામું ધરી દેનાર આ અધિકારીએ હવે અચાનક જ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. શનિવારે તેઓ પોતાની ઓફિસ પહોંચ્યા હતા અને ફરીથી કાર્યભાર સંભાળી લીધો હતો.
કોઈ દબાણ નહીં, પોતાની મરજીથી વાપસી
મીડિયા સાથે વાત કરતા પ્રશાંત સિંહે સ્પષ્ટ કર્યું હતું કે, "મેં મારું રાજીનામું કોઈ પણ પ્રકારના દબાણ વગર પાછું ખેંચ્યું છે. હું આજે મારી ઓફિસમાં છું અને મારું કામ શરૂ કરી દીધું છે." જોકે, તેમના આ રાજીનામા અને વાપસીના ડ્રામા પાછળ પારિવારિક વિખવાદ અને ગંભીર આરોપોની લાંબી કથા બહાર આવી છે.
ભાઈ-ભાઈ વચ્ચે જંગ: 'મુખ્તાર ગેંગ' અને 'ખંડણી'ના આક્ષેપો
પ્રશાંત સિંહના ભાઈ વિશ્વજીત સિંહે આરોપ લગાવ્યો હતો કે અધિકારીએ નકલી અપંગતા પ્રમાણપત્ર (Fake Disability Certificate) ના આધારે નોકરી મેળવી છે. આના જવાબમાં ડેપ્યુટી કમિશનરે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "મારો ભાઈ વિશ્વજીત સિંહ માઉની કુખ્યાત મુખ્તાર અંસારી ગેંગનો સક્રિય સભ્ય અને નાણાકીય સલાહકાર છે. તેની સામે અનેક ફોજદારી કેસો નોંધાયેલા છે અને તે ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે તેના ભાઈએ માતા-પિતાને પણ માર માર્યો હતો, જેની FIR નોંધાયેલી છે.
નકલી સર્ટિફિકેટ વિવાદ પર ખુલાસો
અપંગતા પ્રમાણપત્ર મુદ્દે સફાઈ આપતા પ્રશાંત સિંહે જણાવ્યું કે, ૨૦૨૧માં જ માઉના CMO દ્વારા આ પ્રમાણપત્રની તપાસ કરવામાં આવી હતી અને તેને સાચું ઠેરવવામાં આવ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે આરોગ્ય વિભાગે સર્ટિફિકેટને ક્લીન ચીટ આપી દીધી છે, તો પછી વારંવાર તેને નકલી કહીને બદનામ કેમ કરવામાં આવે છે?
ઉલ્લેખનીય છે કે, યોગી સરકારના સમર્થનમાં એક અધિકારીના રાજીનામાથી યુપીના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો, પરંતુ હવે ઘરના જ ઝઘડા અને ગંભીર આક્ષેપોએ આ મામલાને નવો વળાંક આપ્યો છે.

(8:23 PM IST)