News of Saturday, 31st January 2026
ગડકરીનો હાજરજવાબી અંદાજ: "સાંસદોના ટોલ ફ્રી બંધ કરવાની સલાહ ન આપો, મારું પદ જોખમમાં મુકાશે!"
ટોલ ટેક્સમાં VIP સંસ્કૃતિ મુદ્દે પૂછાયેલા સવાલ પર કેન્દ્રીય મંત્રીએ આપ્યો ચતુર જવાબ; એન્કર અને જનતા વચ્ચે જામ્યો હાસ્યનો ગડગડાટ

નવી દિલ્હી: પોતાના બિન્દાસ્ત અને નિખાલસ નિવેદનો માટે જાણીતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વિષય કોઈ હાઈવે કે ટનલનો નહીં, પણ સાંસદો અને ધારાસભ્યોને મળતા 'મફત ટોલ'ના વિશેષાધિકારનો હતો. એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં જ્યારે પત્રકારે તેમને VVIP સંસ્કૃતિ મુદ્દે ઘેર્યા, ત્યારે ગડકરીએ જે સત્ય અને રમૂજ સાથે જવાબ આપ્યો તેનાથી આખું ઓડિટોરિયમ હસી પડ્યું હતું.
"VVIP સંસ્કૃતિ ટોલ પ્લાઝા પર કેમ બંધ નથી થતી?"
ઇન્ટરવ્યુ દરમિયાન પત્રકારે સવાલ ઉઠાવ્યો હતો કે, "વડાપ્રધાન મોદી વારંવાર લાલ બત્તી અને VIP સંસ્કૃતિ હટાવવાની વાત કરે છે, તો પછી ટોલ પ્લાઝા પર રાજકારણીઓની ગાડીઓ મફતમાં કેમ પસાર થાય છે? સામાન્ય જનતા લાઈનમાં ઉભી રહીને પૈસા ચૂકવે છે, તો ધારાસભ્યો અને સાંસદો પાસે એવી કઈ સત્તા છે કે તેઓ ટેક્સ નથી ભરતા? આ ભેદભાવ તમે કેમ બદલતા નથી?"
ગડકરીનો સ્માર્ટ જવાબ: "હું BOT નો પિતા છું!"
પત્રકારના આકરા સવાલ પર ગડકરીએ પહેલા તો સમજાવ્યું કે ટોલની નીતિમાં માત્ર રાજકારણીઓ જ નહીં, પણ એમ્બ્યુલન્સ અને ખેતીના ટ્રેક્ટરોને પણ મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જ્યારે એન્કરે ભાર મૂકીને પૂછ્યું કે 'આ સુવિધા તો જૂની છે, તમે કેમ નથી બદલતા?', ત્યારે ગડકરીએ હસતા હસતા કહ્યું:
"જુઓ, આ ટોલ નીતિ (BOT) નો પિતા હું જ છું. પણ મને એવી કોઈ સલાહ ન આપો જે મારા પદને જોખમમાં મૂકે! લોકશાહીમાં આ પ્રતિનિધિઓનું પણ એક સ્થાન છે."
ન્યાયતંત્ર અને પત્રકારો પર પણ નિશાન સાધ્યું
જ્યારે એન્કરે દલીલ કરી કે આ વાજબી નથી અને નેતાઓ ઘણીવાર ટોલ પર માથાકૂટ કરે છે, ત્યારે ગડકરીએ તરત જ ઉમેર્યું કે આ વિશેષાધિકાર માત્ર નેતાઓને જ નહીં, પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને પણ આપવામાં આવ્યો છે. આ સાંભળીને એન્કરે પણ હસીને હથિયાર હેઠા મૂકી દીધા હતા.
"પત્રકારોને ક્યારેય મફત ટોલ નહીં મળે"
વાત અહીં જ ન અટકી, ગડકરીએ મજાકમાં કહ્યું કે ઘણા પત્રકારો પણ તેમની પાસે આવીને પૂછે છે કે 'અમને મફત ટોલ ક્યારે મળશે?' તેના જવાબમાં મંત્રીએ સ્પષ્ટ કહી દીધું કે, "તમને મફત ટોલ ક્યારેય નહીં મળે. જો તમારે સારી સુવિધાઓ અને શાનદાર રસ્તાઓ જોઈતા હોય, તો તમારે તેની કિંમત તો ચૂકવવી જ પડશે."
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
