<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

બંગાળમાં અમિતભાઈ શાહની ગર્જના: "ઘૂસણખોરોને ખુશ કરવા મમતા બેનર્જી કરી રહ્યા છે 'વંદે માતરમ'નો વિરોધ"

ઉત્તર ૨૪ પરગણામાં ભાજપનું શક્તિ પ્રદર્શન; શાહે મોમો ફેક્ટરી અગ્નિકાંડને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું, TMC સરકારને ઉખેડી ફેંકવા આહવાન

કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણામાં આયોજિત ભાજપ કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર પોતાની વોટ બેંક અને ઘૂસણખોરોને ખુશ કરવા માટે દેશભક્તિના પ્રતીક સમાન 'વંદે માતરમ'નો વિરોધ કરી રહી છે.
મોમો ફેક્ટરી અગ્નિકાંડ: અકસ્માત કે ભ્રષ્ટાચાર?
સંમેલનની શરૂઆતમાં જ અમિતભાઈ શાહે આનંદપુર વેરહાઉસની મોમો ફેક્ટરીમાં લાગેલી આગમાં જીવ ગુમાવનાર મજૂરોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ ઘટનાને માત્ર એક અકસ્માત નહીં પણ સરકારી ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું હતું. શાહે સવાલ ઉઠાવ્યો હતો કે, "આ ફેક્ટરીમાં અસલી રોકાણ કોનું હતું? અને તે વ્યક્તિ શા માટે હંમેશા મમતા બેનર્જીની સાથે જોવા મળે છે?"
વંદે માતરમના ૧૫૦ વર્ષ અને તુષ્ટિકરણની રાજનીતિ
બંગાળની ઐતિહાસિક ભૂમિકાને યાદ કરતા શાહે કહ્યું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળની ધરતી પરથી જ 'વંદે માતરમ' દ્વારા દેશને એક કર્યો હતો. તેમણે જાહેરાત કરી કે પીએમ મોદીની સરકાર વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂરા થવા પર આખા દેશમાં ઉત્સવ મનાવશે. તેમણે TMC સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું કે, મમતા દીદી ઘૂસણખોરોને રાજી રાખવા માટે આ નારાનો વિરોધ કરી રહ્યા છે.
"ડરવાની જરૂર નથી, ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢીશું"
મતપડુ અને નામશૂદ્ર સમુદાયને સંબોધતા શાહે કહ્યું કે મમતા બેનર્જી ભલે NRC નો ગમે તેટલો વિરોધ કરે, પણ મતદાર યાદીમાંથી ઘૂસણખોરોને હટાવવા જ પડશે. તેમણે જનતાને ભરોસો આપ્યો કે, "મમતા તમારા વોટને સ્પર્શી પણ નહીં શકે. જો કોઈ રહી જશે, તો ભાજપનો મુખ્યમંત્રી આવીને તેમને બહાર કાઢશે."
ભ્રષ્ટાચાર પર મમતાને ખુલ્લી ચેલેન્જ
શાહે મમતા બેનર્જીને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો ભ્રષ્ટાચારીઓને ચૂંટણીમાં ટિકિટ ન આપીને બતાવો. તેમણે દાવો કર્યો કે મમતા દીદી આવું નહીં કરી શકે કારણ કે જો ટિકિટ કાપશે તો તેમના 'ભત્રીજા'નું નામ ઉજાગર થઈ જશે. શાહે અંતમાં હૂંકાર કર્યો કે દરેક ભ્રષ્ટાચારની તપાસ થશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે.

(9:30 PM IST)