News of Saturday, 31st January 2026
બિહારમાં 'બંગલા' વોર: તેજ પ્રતાપે નિવાસસ્થાન ખાલી કર્યું ને પંખા-AC પણ ગાયબ! મંત્રી પાસવાનના ગંભીર આરોપ
ભૂતપૂર્વ મંત્રી લાલુપુત્રએ બંગલો ખંડેર બનાવી દીધો હોવાનો દાવો; દિવાલોમાં ગાબડાં અને બલ્બ સુધ્ધાં ચોરાયા હોવાની ચર્ચાથી બિહારનું રાજકારણ ગરમાયું

પટના: બિહારના રાજકારણમાં સરકારી બંગલાઓને લઈને વિવાદો કંઈ નવા નથી, પરંતુ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ દ્વારા ખાલી કરાયેલા બંગલાએ નવી ચર્ચા જગાવી છે. બિહાર સરકારના વર્તમાન મંત્રી લખેન્દ્ર પાસવાનને જ્યારે આ બંગલો ફાળવવામાં આવ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેઓ દંગ રહી ગયા હતા. મંત્રીનો આરોપ છે કે બંગલો રહેવા લાયક તો ઠીક, પણ તેની મૂળભૂત સુવિધાઓ પણ 'સાફ' કરી દેવામાં આવી છે.
"માત્ર ફર્નિચર જ નહીં, બલ્બ પણ ન છોડ્યા!"
મંત્રી લખેન્દ્ર પાસવાને મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું કે, તેજ પ્રતાપ યાદવે ૨૬-એમ, સ્ટ્રેન્ડ રોડ સ્થિત બંગલો ખાલી કર્યા પછી તેની હાલત દયનીય છે. તેમણે આરોપ લગાવ્યો કે બંગલાની અંદરથી એસી (AC), પંખા અને લાઇટના બલ્બ પણ ગાયબ છે. એટલું જ નહીં, બંગલાના દરવાજાના તાળા તૂટેલા છે અને દિવાલો તેમજ છતને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પાસવાનના મતે, આ સરકારી સંપત્તિની લૂંટ જેવી સ્થિતિ છે.
હાર પછી બંગલો ખાલી કરવાની મળી હતી નોટિસ
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ની ચૂંટણીમાં મહુઆ બેઠક પરથી પરાજય થયા બાદ તેજ પ્રતાપ યાદવને નવેમ્બર મહિનામાં જ બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. નિયમ મુજબ પદ પરથી હટ્યાના એક મહિનામાં નિવાસસ્થાન સોંપવાનું હોય છે. જોકે, અત્યારે જે રીતે બંગલાની હાલત સામે આવી છે, તેના પર તેજ પ્રતાપ યાદવ કે આરજેડી (RJD) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
હવે તપાસનો ધમધમાટ શરૂ થશે?
મંત્રી લખેન્દ્ર પાસવાને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મકાન બાંધકામ વિભાગ આ બંગલાનું સંપૂર્ણ સમારકામ નહીં કરે અને ગાયબ થયેલી વસ્તુઓનો હિસાબ નહીં મળે, ત્યાં સુધી તેઓ તેમાં રહેવા જશે નહીં. તેમણે અધિકારીઓને સ્થળ તપાસ માટે બોલાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું નીતીશ સરકાર આ મામલે કોઈ સત્તાવાર તપાસના આદેશ આપે છે અને 'ગાયબ' થયેલો સામાન તેજ પ્રતાપ પાસેથી વસૂલવામાં આવે છે કે કેમ.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
