News of Saturday, 31st January 2026
સાધ્વી પ્રેમ બાઈસાના મોતથી રાજસ્થાનમાં ખળભળાટ :રાત્રે શું થયું ? શું પેલું ઈન્જેક્શન જ મોતનું કારણ બન્યું?: SIT તપાસમાં થશે ખુલાસા
જોધપુર પોલીસે તપાસ માટે SIT ની રચના કરી: પોસ્ટમોર્ટમમાં કારણ સ્પષ્ટ નહીં, વિસેરા રિપોર્ટની રાહ: ઈન્જેક્શન આપનાર કમ્પાઉન્ડરની પોલીસ પૂછપરછ

રાજસ્થાનના જોધપુરમાં સુપ્રસિદ્ધ કથાવાચક અને ભજન ગાયિકા સાધ્વી પ્રેમ બાઈસાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સાધ્વીના નિધન પાછળનું સાચું કારણ હજુ અકબંધ છે, ત્યારે મામલાની ગંભીરતાને જોઈને જોધપુર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જોધપુર પોલીસ કમિશનર ઓમપ્રકાશે તાત્કાલિક અસરથી એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ એસીપી છવિ શર્મા ને સોંપવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે સત્ય બહાર લાવવા માટે દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે વિસેરા સેમ્પલ વધુ તપાસ માટે જયપુર મોકલી આપ્યા છે. આ દરમિયાન SIT ની તપાસનો રેલો સાધ્વીને આપવામાં આવેલી સારવાર સુધી પહોંચ્યો છે. સાધ્વીને જે ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, તે ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું અને કોણે આપ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. એસીપી છવિ શર્માએ જણાવ્યું કે, સાધ્વીને ઈન્જેક્શન આપનાર કમ્પાઉન્ડર દેવી સિંહની પણ પૂછપરછ કરવામાં આવી છે. જોકે, પ્રાથમિક પૂછપરછમાં કમ્પાઉન્ડરે દાવો કર્યો છે કે ઈન્જેક્શન સામાન્ય હતું અને તેનાથી મોત થવાની શક્યતા નહિવત છે.
SIT માં ટેકનિકલ અને સાયબર એક્સપર્ટ્સની ટીમને પણ સામેલ કરવામાં આવી છે. સાધ્વી પ્રેમ બાઈસાની જૂની મેડિકલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. બીજી તરફ, આશ્રમમાંથી સીસીટીવી કેમેરા હટાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ એસીપી છવિ શર્માએ સ્પષ્ટતા કરી છે કે પોલીસને હજુ સુધી કેમેરા હટાવ્યા હોવાના કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી, તેથી અફવાઓ પર વિશ્વાસ કરી શકાય નહીં.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
