News of Saturday, 31st January 2026
તિરુવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાનો તોફાની વિજય : ન્યુઝીલેન્ડને 46 રને પછાડી ભારતનો શ્રેણી પર 4-1થી શાનદાર કબજો
ઈશાન કિશનની માત્ર 42 બોલમાં પ્રચંડ સદી અને અર્શદીપ સિંહની 5 વિકેટ સાથે કિવી ટીમનું સૂરસૂરિયું : સૂર્યાની વિસ્ફોટક ફિફ્ટી બાદ ભારતે ખડક્યો 271 રનનો વિશાળ સ્કોર : વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન

તિરુવનંતપુરમ : ટી20 વર્લ્ડ કપ પહેલા રમાયેલી અંતિમ અને નિર્ણાયક ટી20 શ્રેણીમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ધારદાર દેખાવ કરતા 4-1થી શ્રેણી જીતી લીધી છે. શનિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી મેચમાં ભારતે કિવી ટીમને 46 રને માત આપીને શ્રેણીનો દબદબાભેર અંત આણ્યો હતો.
ઈશાન કિશન અને સૂર્યાની ‘રણનીતિ’
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત સાધારણ રહી હતી. લોકલ બોય સંજુ સેમસન (6) અને અભિષેક શર્મા (30) સસ્તામાં આઉટ થયા હતા. જોકે, ત્યારબાદ ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેદાન પર રનનો વરસાદ વરસાવ્યો હતો. ઈશાને માત્ર 42 બોલમાં 103 રન (10 છગ્ગા, 6 ચોગ્ગા) ફટકારી પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. સૂર્યાએ પણ 30 બોલમાં 63 રન સાથે તોફાની ફિફ્ટી ફટકારી હતી. અંતમાં હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 42 રન જોડતા ભારતે 20 ઓવરમાં 271 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. ભારતીય બેટ્સમેનોએ અંતિમ 10 ઓવરમાં અધધ 169 રન લૂંટ્યા હતા.
અર્શદીપનો પંચ અને કિવી ટીમની હાર
272 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં 225 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. કિવી ટીમ તરફથી ફિન એલને માત્ર 30 બોલમાં 80 રન (8 ચોગ્ગા, 6 છગ્ગા) ફટકારી ભારતને ડરાવ્યું હતું, પરંતુ અક્ષર પટેલે તેને આઉટ કરીને રમત પલટી નાખી હતી. ત્યારબાદ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે તરખાટ મચાવતા એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી અને અંતે કુલ 5 વિકેટ પોતાના નામે કરી કિવી બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી અર્શદીપને સાથ આપ્યો હતો.
વર્લ્ડ કપની તૈયારી પૂર્ણ
આ શ્રેણીનો વિજય ભારત માટે મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વનો છે, કારણ કે હવે 7 ફેબ્રુઆરીથી આઈસીસી ટી20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ મેચ બંને ટીમો માટે પ્રયોગો કરવાની અંતિમ તક હતી, જેમાં ભારતની બેટિંગ અને બોલિંગ બંનેમાં સજ્જતા જોવા મળી હતી. ઈશાન કિશનને તેની વિસ્ફોટક સદી બદલ અને અર્શદીપ સિંહને તેના ફાઈવ-વિકેટ હોલ બદલ જીતના હીરો માનવામાં આવ્યા હતા.
સ્કોરબોર્ડ પર એક નજર:
* ભારત: 271/5 (ઈશાન 103, સૂર્યા 63, હાર્દિક 42)
* ન્યુઝીલેન્ડ: 225/10 (ફિન એલન 80, ઈશ સોઢી 33, અર્શદીપ 5/35)
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
