News of Saturday, 31st January 2026
એપ્સટાઈન ફાઈલ્સમાં પીએમ મોદીનો ઉલ્લેખ માત્ર 'બકવાસ': ભારત સરકારે કડક શબ્દોમાં ફગાવ્યા આરોપ!
વિદેશ મંત્રાલયે ઈમેલના દાવાઓને 'ગુનેગારના વિચારો' ગણાવી નકારી કાઢ્યા; ભાજપનો કોંગ્રેસ પર એડિટેડ ટ્વીટ દ્વારા ભ્રામકતા ફેલાવવાનો વળતો પ્રહાર

નવી દિલ્હી: અમેરિકાના કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપ્સટાઈન સાથે જોડાયેલા ૩૦ લાખ દસ્તાવેજો જાહેર થયા બાદ ભારતમાં રાજકીય ધરતીકંપ સર્જાયો છે. આ ફાઈલ્સમાં પીએમ મોદીની ૨૦૧૭ની ઈઝરાયેલ મુલાકાતનો ઉલ્લેખ કરતો એક કથિત ઈમેલ સામે આવતા વિદેશ મંત્રાલયે (MEA) શનિવારે અત્યંત આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે એક સજા પામેલા ગુનેગારના આવા લખાણો માત્ર તિરસ્કારને પાત્ર છે.
વિદેશ મંત્રાલયનો સણસણતો જવાબ
એક વીડિયો સંદેશમાં પ્રવક્તાએ જણાવ્યું કે, પીએમ મોદીની જુલાઈ ૨૦૧૭ની સત્તાવાર ઈઝરાયેલ મુલાકાત એક સત્ય છે, પરંતુ તે સિવાય ઈમેલમાં કરવામાં આવેલા તમામ ઈશારાઓ પાયાવિહોણા છે. તેમણે ઉમેર્યું કે, "એક સજા પામેલા ગુનેગાર (એપ્સટાઈન) ના ગંદા વિચારો અને બકવાસને કોઈ પણ રીતે ગંભીરતાથી લેવાની જરૂર નથી અને અમે તેને સંપૂર્ણપણે ફગાવીએ છીએ."
ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ
આ મુદ્દે કોંગ્રેસે સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું છે કે એપ્સટાઈન જેવા બદનામ વ્યક્તિ સાથે ભારતના પીએમનું નામ જોડાવું તે મુત્સદ્દીગીરી અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જયરામ રમેશ અને પવન ખેડાએ આ મામલે સ્પષ્ટતાની માંગ કરી છે.
બીજી તરફ, ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ પર 'છેતરપિંડી' કરવાનો આરોપ લગાવ્યો છે. પાત્રાએ દાવો કર્યો છે કે કોંગ્રેસે એપ્સટાઈનના ઈમેલમાં 'તેની સલાહ' (His advice) જેવા શબ્દો જાતે ઉમેરીને એડિટેડ ફોટો વાયરલ કર્યો છે, જેથી એવું લાગે કે પીએમ મોદીએ એપ્સટાઈન પાસેથી સલાહ લીધી હતી. ભાજપે ચેતવણી આપી છે કે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું છે એપ્સટાઈન ફાઈલ્સ?
જેફરી એપ્સટાઈન અમેરિકાનો એક પ્રભાવશાળી ફાઈનાન્સર હતો, જેની ૨૦૧૯માં સેક્સ ટ્રાફિકિંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં તેણે આત્મહત્યા કરી હતી. શુક્રવારે અમેરિકી ન્યાય વિભાગે તેના કેસ સાથે જોડાયેલા લાખો પાનાના દસ્તાવેજો અને હજારો વીડિયો જાહેર કર્યા છે, જેમાં વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
