News of Saturday, 31st January 2026
અધિકારીઓ 'બહેરા' થયા તો વિદ્યાર્થીનીઓએ 'મહાકાલ'નો આશરો લીધો: ભોજનના અન્યાય સામે અનોખો વિરોધ!
પન્નાની ગર્લ્સ હોસ્ટેલની દીકરીઓએ શિવલિંગ પર ચડાવી ફરિયાદની અરજીઓ; વહીવટીતંત્રની ઉદાસીનતા સામે ભગવાનના દરબારમાં ન્યાયની ગુહાર

પન્ના (મધ્યપ્રદેશ): જ્યારે લોકશાહીમાં જવાબદાર અધિકારીઓ સામાન્ય જનતાની પીડા સાંભળવાનું બંધ કરી દે છે, ત્યારે લોકોનો વિશ્વાસ સિસ્ટમ પરથી ઉઠી જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં હોસ્ટેલના ખરાબ ભોજનથી કંટાળેલી માસૂમ વિદ્યાર્થીનીઓએ અધિકારીઓ પાસે કરગરીને હાર માન્યા બાદ હવે સાક્ષાત્ ભગવાન શિવના શરણમાં જવાનું નક્કી કર્યું છે.
રસોઈયા જમાડે છે સ્વાદહીન ભોજન: ગંભીર આક્ષેપો
પન્નાના ગુનૌર સ્થિત 'નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ગર્લ્સ હોસ્ટેલ'ની વિદ્યાર્થીનીઓએ વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો છે. આ દીકરીઓનો આરોપ છે કે તેમને લાંબા સમયથી અત્યંત હલકી ગુણવત્તાનું અને સ્વાદહીન ભોજન પીરસવામાં આવે છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હોસ્ટેલના રસોઈયા પોતાના માટે ઉચ્ચ ગુણવત્તાનું ભોજન બનાવે છે, જ્યારે દેશનું ભવિષ્ય ગણાતી આ વિદ્યાર્થીનીઓને અધકચરું અને નબળું ખાવાનું પધરાવી દેવામાં આવે છે.
શિવના ચરણોમાં ન્યાયની ચિઠ્ઠીઓ
જ્યારે દરેક સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે શનિવારે આ વિદ્યાર્થીનીઓ એકત્રિત થઈને સ્થાનિક શિવ મંદિરે પહોંચી હતી. તેમણે પોતાની વેદના કાગળ પર લખીને ભગવાન શિવના શરણમાં મૂકી દીધી હતી. શિવલિંગ પાસે ન્યાયની ભીખ માંગતી આ નિર્દોષ બાળકીઓની તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જે સિસ્ટમની નિષ્ફળતાની ચાડી ખાય છે.
તંત્ર હવે 'તપાસ'ના નામે બચાવમાં
આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ ગુનૌરના તહસીલદાર રત્ના રાશિ પાંડેએ જણાવ્યું કે, પરિસ્થિતિની ગંભીરતાને જોતા વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલી રહી હોવાનું ગાણું ગાવામાં આવી રહ્યું છે. જોકે, સવાલ એ ઊભો થાય છે કે માસૂમ દીકરીઓને ભગવાનના શરણે જવા મજબૂર કરનાર જવાબદારો સામે ક્યારે કડક કાર્યવાહી થશે?
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
