News of Saturday, 31st January 2026
ટીમ ઈન્ડિયાનો 'ફિનિશર' રિંકુ સિંહ હવે લેશે સાત ફેરા: સાંસદ પ્રિયા સરોજ બનશે જીવનસાથી!
T20 વર્લ્ડ કપ 2026 પછી વાગશે શરણાઈ; રિંકુની માતાએ આપી લગ્નની કન્ફર્મ અપડેટ, વારાણસીમાં યોજાશે શાહી લગ્ન સમારંભ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન અને લાખો ચાહકોના પ્રિય રિંકુ સિંહના ઘરે ટૂંક સમયમાં લગ્નની શરણાઈઓ ગુંજવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ધૂમ મચાવી રહેલા રિંકુ સિંહ હવે મેદાન પર સિક્સર ફટકાર્યા બાદ જીવનની નવી ઇનિંગ શરૂ કરવા તૈયાર છે. રિંકુ સિંહના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુર (મછલીશહર) ના સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે નક્કી થયા છે.
વર્લ્ડ કપ બાદ બંધાશે લગ્નગ્રંથિમાં
રિંકુ સિંહની માતા બીના સિંહે લગ્ન અંગે મોટી અપડેટ આપતા જણાવ્યું છે કે, રિંકુ અને પ્રિયાના લગ્ન 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 પછી યોજાશે. અગાઉ લગ્ન માટે માર્ચ મહિનાની તારીખો નક્કી કરવામાં આવી હતી, પરંતુ રિંકુના વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ અને આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. હવે આ ભવ્ય લગ્ન સમારોહ ધાર્મિક નગરી વારાણસીમાં યોજાશે.
ગયા વર્ષે થઈ હતી સગાઈ
રિંકુ અને પ્રિયાની સગાઈ 8 જૂન, 2025ના રોજ લખનૌની એક ખાનગી હોટલમાં અત્યંત સાદાઈથી કરવામાં આવી હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. પ્રિયા સરોજ રાજકીય ક્ષેત્રે સક્રિય છે અને સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ જોડીના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
મેદાન પર રિંકુનો જાદુ યથાવત
લગ્નની ચર્ચાઓ વચ્ચે રિંકુ સિંહ અત્યારે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 5 મેચની શ્રેણીમાં 91ની શાનદાર સરેરાશ અને 156.90ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને ફરી એકવાર સાબિત કર્યું છે કે તે વર્લ્ડ કપ માટે પૂરી રીતે તૈયાર છે. હવે ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે રિંકુ વર્લ્ડ કપની ટ્રોફી જીતીને સીધો લગ્નના મંડપમાં પહોંચે!
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
