News of Saturday, 31st January 2026
બજેટ 2026: નોર્થ બ્લોકમાં 100 અધિકારીઓ છેલ્લા 5 દિવસથી 'નજરકેદ', આવતીકાલે મળશે આઝાદી!
દુનિયાથી સંપૂર્ણ સંપર્ક વિહોણા રહીને તૈયાર કરાયું દેશનું 'નસીબ'; હલવા સેરેમનીથી શરૂ થયેલી 'લોક-ઇન' પ્રક્રિયાનો આવતીકાલે આવશે અંત: બજેટ મળશે તમારી આંગળીના ટેરવે

નવી દિલ્હી: ભારતનું કેન્દ્રીય બજેટ માત્ર એક આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ તે દેશની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલ અત્યંત સંવેદનશીલ વિષય છે. રવિવારે ૧ ફેબ્રુઆરીએ જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે, ત્યારે તેની સાથે જ છેલ્લા પાંચ દિવસથી નાણા મંત્રાલયના 'નોર્થ બ્લોક' માં કેદ થયેલા લગભગ ૧૦૦ અધિકારીઓ અને કર્મચારીઓને પણ 'મુક્તિ' મળશે. આ અધિકારીઓ બજેટની ગુપ્તતા જાળવવા માટે બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે.
શા માટે આ અધિકારીઓને 'કેદ' કરવામાં આવે છે?
બજેટમાં કરવેરા, સબસિડી અને નવી નીતિઓ જેવી અત્યંત ગુપ્ત માહિતી હોય છે. જો બજેટ રજૂ થયા પહેલા તેની કોઈ પણ વિગત લીક થઈ જાય, તો શેરબજાર અને દેશની અર્થવ્યવસ્થામાં ભારે અરાજકતા ફેલાઈ શકે છે. આથી જ, ૨૭ જાન્યુઆરીએ 'હલવા સેરેમની' પૂર્ણ થયા બાદ, આ દસ્તાવેજ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ 'લોક-ઇન' પ્રક્રિયામાં પ્રવેશે છે. આ દરમિયાન તેમને પરિવાર સાથે વાત કરવાની કે મંત્રાલયની બહાર જવાની પરવાનગી હોતી નથી.
ફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
આ 'લોક-ઇન' સમયગાળા દરમિયાન અધિકારીઓ પાસે મોબાઈલ ફોન હોતા નથી. તેમને ઇન્ટરનેટ વાપરવા પર પણ સખત મનાઈ હોય છે. તેઓ નોર્થ બ્લોકની અંદર જ બનેલા સ્પેશિયલ પ્રિન્ટિંગ પ્રેસ સંકુલમાં રહે છે અને ખાય છે. સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખે છે કે કોઈ પણ માધ્યમથી માહિતી બહાર ન જાય. આટલી કડક સુરક્ષા વચ્ચે તૈયાર થયેલું બજેટ છેક આવતીકાલે જ્યારે નાણામંત્રી ભાષણ શરૂ કરશે, ત્યારે જ સાર્વજનિક થશે.
હવે બજેટ મળશે તમારી આંગળીના ટેરવે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે બજેટ રજૂ થયા બાદ તમામ દસ્તાવેજો 'યુનિયન બજેટ મોબાઈલ એપ' અને સત્તાવાર પોર્ટલ પર હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવાશે. ટેકનોલોજીના કારણે હવે સામાન્ય જનતા પણ આ જટિલ દસ્તાવેજોને સરળતાથી ડિજિટલ ફોર્મેટમાં વાંચી શકશે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
