<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

અમેરિકામાં 'બોમ્બ સાયક્લોન'નો આતંક: બરફના તોફાને મચાવી ભારે તબાહી!

કેરોલિનાસ અને વર્જિનિયામાં 12 ઈંચ સુધી બરફ પડવાની આગાહી; 70 માઈલની ઝડપે ફૂંકાતા પવને જનજીવન ઠપ્પ કર્યું

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના દક્ષિણ-પૂર્વ વિસ્તારો અત્યારે એક ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે. શક્તિશાળી 'નોર્થ ઈસ્ટર' વાવાઝોડું ઝડપથી તીવ્ર બનીને 'બોમ્બ સાયક્લોન' (Bomb Cyclone) માં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડાએ ખાસ કરીને નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયામાં આતંક મચાવ્યો છે. બરફના આ મોન્સ્ટર તોફાનને કારણે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેનાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.

હિમવર્ષા અને વાવાઝોડાનો બેવડો માર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવાર દરમિયાન આ વિસ્તારોમાં ૮ થી ૧૨ ઈંચ જેટલી ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૬૦ થી ૭૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા 'હરિકેન' જેવા પવનને કારણે 'બ્લિઝાર્ડ' (બરફનું તોફાન) જેવી સ્થિતિ સર્જાઈ છે. પવન એટલો તેજ છે કે તેના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે, જેના કારણે મુસાફરી કરવી અશક્ય બની ગઈ છે.

ઈમરજન્સી જાહેર અને ફ્લાઈટ્સ રદ

નોર્થ કેરોલિનાના ગવર્નર જોશ સ્ટેઈને રાજ્યમાં 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર કરી દીધી છે. બરફના આ તોફાનને કારણે રવિવાર સુધીમાં સમગ્ર અમેરિકામાં ૯,૦૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. લાખો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

'સ્નો મૂન' અને પૂરનું જોખમ

આ તોફાનની સાથે 'સ્નો મૂન' (પૂર્ણિમા) હોવાથી દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. રવિવારે સવારે હાઈ ટાઈડ દરમિયાન ૩ થી ૪ ફૂટ સુધી દરિયાઈ પૂર (Storm Surge) આવવાનું જોખમ છે, જે દરિયાકાંઠાના ઘરો માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.

(11:45 PM IST)