<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

બજેટ 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ તોડશે 75 વર્ષ જૂની પરંપરા, રવિવારે રચાશે નવો ઈતિહાસ!

સતત 9મી વખત બજેટ રજૂ કરી બનાવશે અનોખો રેકોર્ડ; રેલવે કન્સેશનથી લઈને ટેક્સ સુધીની જાહેરાતો પર આખા દેશની નજર

નવી દિલ્હી: આવતીકાલે એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ ભાષણ શરૂ કરશે, ત્યારે તે ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બની જશે. નિર્મલા સીતારમણ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરનારા પ્રથમ નાણામંત્રી બનશે, જે મોરારજી દેસાઈના સતત 8 બજેટના રેકોર્ડને પણ વટાવી જશે. સામાન્ય રીતે બજેટ રવિવારે રજૂ થતું નથી, પરંતુ આ વર્ષે રવિવારે પણ સંસદ ધમધમશે અને દેશનું ભવિષ્ય નક્કી થશે.

શું હશે આ વખતના બજેટમાં ખાસ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે નાણામંત્રી તેમના ભાષણના 'Part B' (ભાગ-બી) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. અગાઉના બજેટમાં 'Part A' માં મોટી જાહેરાતો થતી હતી, પરંતુ આ વખતે 'Part B' માં માત્ર ટેક્સની જાહેરાતો જ નહીં, પણ દેશના ટૂંકા અને લાંબા ગાળાના આર્થિક લક્ષ્યોની બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બજેટમાં ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ્સ અને યુવા શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

વરિષ્ઠ નાગરિકોની મોટી માંગણીઓ

બજેટ પહેલા વરિષ્ઠ નાગરિકોના સંગઠનોએ નાણામંત્રીને રેલવે ટિકિટમાં મળતી રાહત (Concession) ફરી શરૂ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, બિન-કરદાતા વરિષ્ઠ નાગરિકો માટે દર મહિને ₹3,000નું સાર્વત્રિક પેન્શન અને એલ્ડર કેર સર્વિસીસ પરથી GST હટાવવા જેવી લોકપ્રિય માંગણીઓ પર સરકાર શું નિર્ણય લે છે, તે જોવું રસપ્રદ રહેશે.

ખેડૂતો અને સામાન્ય માણસની અપેક્ષાઓ

ભાજપના નેતા ગુલામ અલી ખટાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ બજેટ ખેડૂતો અને સામાન્ય જનતા માટે આશાનું કિરણ લાવશે. 'વોકલ ફોર લોકલ' અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે આ બજેટમાં કેટલીક ક્રાંતિકારી જોગવાઈઓ હોઈ શકે છે.

(11:46 PM IST)