<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

મેમો ભરવામાં આળસ કરી તો પૂરું! તમારું વાહન થઈ જશે 'બ્લેકલિસ્ટ', જાણો સરકારનો નવો ડિજિટલ ફટકો

ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ હવે છટકબારી બંધ: ઈ-ચલણની અવગણના કરનારાઓને વાહન વેચવા કે વીમો લેવામાં પડશે ફાંફા, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં કર્યો મોટો ફેરફાર

નવી દિલ્હી: જો તમે ટ્રાફિક મેમોને કચરાની ટોપલીમાં ફેંકી દેવાની ભૂલ કરી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકારે ટ્રાફિક શિસ્ત જાળવવા માટે હવે 'ડિજિટલ ડંડો' ઉગામ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, જો નિર્ધારિત સમય મર્યાદામાં દંડની રકમ ભરવામાં નહીં આવે, તો તમારા વાહનને સીધું 'પરિવહન પોર્ટલ' પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આનો અર્થ એ થયો કે તમારું વાહન રસ્તા પર દોડતું હોવા છતાં કાયદાકીય રીતે "ડેડ" ગણાશે.
નવા સુધારા મુજબ, વાહન બ્લેકલિસ્ટ થયા પછી માલિક તેની માલિકી ટ્રાન્સફર કરી શકશે નહીં, એટલે કે વાહન વેચી શકાશે નહીં. આટલું જ નહીં, વીમાનું રિન્યુઅલ, ફિટનેસ સર્ટિફિકેટ કે અન્ય સરકારી પરમિટ મેળવવામાં પણ મોટી અડચણો આવશે. હવે ઓવરસ્પીડિંગ, હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કે સિગ્નલ જમ્પિંગ જેવી ભૂલો માત્ર દંડ પૂરતી સીમિત નહીં રહે, પણ તમારા વાહનના રેકોર્ડ પર કાયમી ડાઘ લગાવી દેશે.
જોકે, સરકારની આ નવી સિસ્ટમ માત્ર દંડ વસૂલવા પૂરતી નથી, પણ પારદર્શક પણ છે. જો કોઈ વાહન ચાલકને લાગે કે તેને ખોટી રીતે ચલણ ફાડવામાં આવ્યું છે, તો તેણે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. ચલણ મળ્યાના ૪૫ દિવસમાં પોર્ટલ પર પુરાવા તરીકે ફોટો કે વીડિયો અપલોડ કરી ઓનલાઈન જ પોતાનો પક્ષ રજૂ કરી શકાશે. આનાથી પોલીસ અને જનતા વચ્ચેના ઘર્ષણમાં પણ ઘટાડો થવાની આશા છે.
નિષ્ણાતો માને છે કે આ કડક ડિજિટલ વ્યવસ્થાને કારણે માર્ગ અકસ્માતોમાં મોટો ઘટાડો આવશે. હવે પોલીસ અધિકારીઓ માટે પણ ચલણ ફાટ્યાના ૩ દિવસમાં ઇલેક્ટ્રોનિક જાણ કરવી અનિવાર્ય છે. આમ, જો તમે ટ્રાફિકના નિયમો તોડશો તો હવે બચવું અશક્ય છે. વાહન ચાલકોએ હવે પોતાની સેફ્ટીની સાથે સાથે પોતાના વાહનનું 'સ્ટેટસ' બચાવવા માટે પણ નિયમોનું પાલન કરવું જ પડશે.

(10:42 AM IST)