<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

પટણામાં કાળમુખો ટ્રક કાળ બનીને ત્રાટક્યો: મેળામાંથી પરત ફરતા પરિવારની રિક્ષાનું પડીકું વળી ગયું, બે માસૂમ બાળકો સહિત 6ના મોત

હસતા-રમતા મેળામાં ગયેલા પરિવારની ઘર વાપસી લોહીલુહાણ બની: બેલગામ ટ્રકે રિક્ષાને હવામાં ફંગોળી, આખું કુટુંબ વેરવિખેર; દોઢ વર્ષના માસૂમ પુત્ર અને 3 વર્ષની પુત્રીની ચીસ હવામાં ઓગળી ગઈ

પટણા: બિહારની રાજધાની પટણામાં રવિવારની વહેલી સવાર માતમની ચીસોમાં ફેરવાઈ ગઈ હતી. મનેર દરગાહ ખાતે ઉર્સનો મેળો જોઈને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહેલા એક પરિવારની રિક્ષા કાળમુખા ટ્રકની અડફેટે આવી ગઈ હતી. પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે રિક્ષાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે લોખંડની એ બોડી પતરું બની ગઈ હતી. ભોજપુરના આરા વિસ્તારનો આ પરિવાર કલ્પના પણ નહોતો કરી શક્યો કે રસ્તામાં મોત તેની રાહ જોઈને બેઠું છે. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર અડધો ડઝન લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા.
અકસ્માત એટલો લોહિયાળ હતો કે રસ્તા પર માનવ અવશેષો અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. મૃતકોમાં ૩૩ વર્ષીય ગુડ્ડુ કુમાર, ૩૦ વર્ષીય ઈમ્તિયાઝ અને ૨૨ વર્ષીય શહઝાદની સાથે બે માસૂમ ફૂલ જેવા બાળકોનો પણ સમાવેશ થાય છે. માત્ર ૧.૫ વર્ષનો માસૂમ અસ્ફી અને ૩ વર્ષની શફના પણ આ અંધાધૂંધ ડ્રાઇવિંગનો ભોગ બન્યા છે. મેળામાં જે બાળકો રમકડાં લઈને રમતા હતા, તે જ બાળકોની લાશો જોતા પથ્થર દિલના લોકો પણ રડી પડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ બિહટા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રિક્ષાના કટકા થઈ ગયેલા પતરા વચ્ચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અન્ય બે ગંભીર રીતે ઘવાયેલા સભ્યોને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનાર બેલગામ ટ્રકને જપ્ત કરી લીધી છે, પરંતુ જે ખાલીપો આ પરિવારના જીવનમાં સર્જાયો છે તેની ભરપાઈ કરવી અશક્ય છે.
સમગ્ર આરા અને બિહટા પંથકમાં આ કરુણ અકસ્માતને પગલે સન્નાટો છવાઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર દોડતા બેલગામ ભારે વાહનો અને ટ્રાફિક સુરક્ષાના દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. એક તરફ હોસ્પિટલમાં ઘાયલો જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે, ત્યારે બીજી તરફ કાયદાકીય તપાસ ચાલુ છે, પરંતુ એક બેદરકાર ટ્રક ચાલકે હસતા-રમતા આખા કુટુંબનો માળો વિખેરી નાખ્યો છે.

(11:08 AM IST)