News of Sunday, 1st February 2026
પંજાબ કોંગ્રેસમાં સિદ્ધુ પરિવારનો 'સિક્સર': નવજોત કૌરે પક્ષને ફટકારી લાત, પ્રદેશ પ્રમુખને કહ્યા 'સૌથી ભ્રષ્ટ અને અસમર્થ'
"જ્યાં સક્ષમ નેતાઓનું અપમાન થાય ત્યાં રહેવું મંજૂર નથી": સસ્પેન્શન બાદ ડૉ. નવજોત કૌરનો પક્ષ સાથે છેડો, રાજા વારિંગ પર લગાવ્યા AAP સાથે સાંઠગાંઠના ગંભીર આરોપ; પંજાબના રાજકારણમાં મસમોટો ભૂકંપ

ચંડીગઢ: પંજાબના રાજકારણમાં ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુએ કોંગ્રેસને 'અલવિદા' કહીને ખળભળાટ મચાવી દીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ આખરે સિદ્ધુ પરિવારે કોંગ્રેસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. ડૉ. કૌરે રાજીનામું આપતા અત્યંત આકરા શબ્દોમાં કહ્યું કે, એવી પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી જ્યાં મહેનતુ નેતાઓને સાંભળવામાં આવતા નથી અને માત્ર વ્યક્તિગત સ્વાર્થ ખાતર નિર્ણયો લેવામાં આવે છે.
ડૉ. કૌરનો સૌથી મોટો પ્રહાર પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ પર રહ્યો છે. તેમણે વારિંગને પક્ષના ઈતિહાસના સૌથી 'અસમર્થ અને ભ્રષ્ટ' પ્રમુખ ગણાવ્યા છે. કૌરે આરોપ લગાવ્યો કે વારિંગે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) સાથે ગુપ્ત સાંઠગાંઠ કરી છે અને પોતાને જેલ જવાથી બચાવવા માટે આખી કોંગ્રેસ પાર્ટીનો સોદો કરી નાખ્યો છે. આ બળવાખોર નિવેદનોએ પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદને સપાટી પર લાવી દીધો છે.
રાજકીય વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે કૌરે પ્રશ્ન ઉઠાવ્યો કે, જો મારી સામે સસ્પેન્શન નોટિસ તૈયાર કરવામાં આવી હતી, તો ચન્ની અને આશુ જેવા નેતાઓ સામે કાર્યવાહી કેમ ન થઈ? તેમણે એવો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો કે કોંગ્રેસના જ ૧૨ જેટલા વરિષ્ઠ નેતાઓ અકાલી દળના બિક્રમ મજીઠિયા સાથે મળીને નવજોત સિંહ સિદ્ધુને હરાવવા માટે કામ કરી રહ્યા હતા. સસ્પેન્ડ થયાના ગણતરીના દિવસોમાં જ ડૉ. કૌરે હવે સામે ચાલીને પક્ષને 'રામ-રામ' કરી દીધા છે.
નવજોત કૌરના આ આકરા તેવર બાદ હવે પંજાબના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે. શું સિદ્ધુ પરિવાર હવે ભાજપમાં ઘર વાપસી કરશે કે પછી કોઈ નવો રાજકીય પંથ પકડશે? તે તો સમય જ બતાવશે, પણ હાલ તો કોંગ્રેસ માટે પંજાબમાં સ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમની આ પોસ્ટ વાયરલ થયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડમાં પણ સન્નાટો વ્યાપી ગયો છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
