<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ચીનની હવે ખેર નથી! નાણામંત્રીએ 'રેર અર્થ' અને સેમીકંડક્ટર માટે ખોલી દીધી તિજોરી, 40 હજાર કરોડનું પેકેજ

ડ્રેગન પરની નિર્ભરતા તોડવા ભારતનો 'માસ્ટર સ્ટ્રોક': ઓડિશાથી તમિલનાડુ સુધી રચાશે સ્પેશિયલ મિનરલ કોરિડોર; સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સમાં દેશને ગ્લોબલ હબ બનાવવા નાણામંત્રીની મોટી જાહેરાત, શેરબજારમાં ચીપ ઉત્પાદક કંપનીઓના શેરમાં તેજીનો ઉછાળો

નવી દિલ્હી : બજેટ ૨૦૨૬માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ચીન પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ભારતને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં વિશ્વગુરુ બનાવવા માટે સરકારે ₹૪૦,૦૦૦ કરોડની તોતિંગ રકમ ફાળવવાની જાહેરાત કરી છે. આ બજેટમાં સૌથી મહત્વનો નિર્ણય 'રેર અર્થ મિનરલ્સ' એટલે કે અત્યંત દુર્લભ ખનિજો માટે લેવાયો છે. ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખાસ 'રેર અર્થ મિનરલ કોરિડોર' બનાવવામાં આવશે, જેથી ઇલેક્ટ્રોનિક્સ અને ચિપ ઉત્પાદન માટે ચીન સામે હાથ ન ફેલાવવા પડે.

નાણામંત્રીની આ જાહેરાતની સાથે જ શેરબજારમાં સેમીકંડક્ટર ક્ષેત્રની કંપનીઓના શેરમાં તોફાની તેજી જોવા મળી છે. ઈન્ડિયા સેમીકંડક્ટર મિશન (ISM) ૨.૦ ની જાહેરાત થતાની સાથે જ અનેક કંપનીઓના શેર ૬ ટકા સુધી ઉછળ્યા છે. સરકારે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ નિર્માણ અને EMS PLI યોજના માટે કુલ ₹૪૦,૦૦૦ કરોડના સપોર્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ રોકાણથી દેશમાં ચિપ મેન્યુફેક્ચરિંગના નવા યુગની શરૂઆત થશે, જે ડિજિટલ ઈન્ડિયાના સપનાને નવી ઊંચાઈ પર લઈ જશે.

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે સરકારે માત્ર ચિપ જ નહીં પણ 'બાયોફાર્મા' અને કેમિકલ સેક્ટર પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતને વૈશ્વિક બાયોફાર્મા હબ બનાવવા માટે 'બાયોફાર્મા શક્તિ યોજના' લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં ૩ સમર્પિત કેમિકલ પાર્ક સ્થાપવામાં આવશે. ગ્લોબલ લોજિસ્ટિક્સમાં પોતાનું કદ વધારવા માટે સરકારે કન્ટેનર નિર્માણ માટે પણ ૫ વર્ષ માટે ₹૧૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે, જે ભારતીય નિકાસકારો માટે મોટી રાહત સાબિત થશે.

વધુમાં, ૨૦૦ જૂના ઔદ્યોગિક ક્લસ્ટરોના પુનઃનિર્માણની યોજનાએ નાના ઉદ્યોગકારોમાં ઉત્સાહ ભરી દીધો છે. મશીનરીના ઉત્પાદનને વેગ આપવા માટે નવી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે જે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને જમીની સ્તરે મજબૂત બનાવશે. નાણામંત્રીના આ ક્રાંતિકારી નિર્ણયો દર્શાવે છે કે ભારત હવે માત્ર બજાર નથી, પણ વિશ્વનું ફેક્ટરી બનવા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યું છે. હવે ભારતની ટેકનોલોજી દુનિયાના ખૂણે-ખૂણે પહોંચશે અને ચીનનું એકાધિકાર ખતમ થશે.

(11:52 AM IST)