હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટનો પહેલો ઝટકો: સિગારેટ પીવી હવે 'કંગાલ' કરશે! બજેટ સ્પીચ પહેલા જ ભાવમાં 40%નો તોતિંગ ઉછાળો
નાણામંત્રીના ભાષણ પહેલા જ 'પાપ કર'નો ફટકો: નવી એક્સાઈઝ ડ્યુટી લાગુ થતા સિગારેટના ભાવ આસમાને, લંબાઈ મુજબ ટેક્સમાં ઝીંકાયો મોટો વધારો; WHOના નિયમો પાળવા સરકારે ઉગામ્યો ડિજિટલ ડંડો, ITC સહિતની કંપનીઓના શેરમાં કડાકો

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે જ્યારે સંસદમાં બજેટ પોથી ખોલે તે પહેલા જ ધૂમ્રપાન કરનારાઓના ખિસ્સા પર મોટો 'ધૂમાડો' થઈ ગયો છે. કેન્દ્ર સરકારે એક આશ્ચર્યજનક પગલામાં બજેટના થોડા કલાકો પહેલા જ સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પરના ટેક્સ માળખામાં ધરમૂળથી ફેરફાર કરી દીધો છે. નવી સૂચના મુજબ, સિગારેટ પર લંબાઈના આધારે પ્રતિ હજાર સ્ટીક ₹૨,૦૫૦ થી લઈને ₹૮,૫૦૦ સુધીની એક્સાઈઝ ડ્યુટી ઝીંકી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે બજારમાં સિગારેટની કિંમતોમાં ૨૦% થી ૪૦% સુધીનો સીધો વધારો થવાની સંભાવના છે.
આ વખતે સરકારે માત્ર ટેક્સ જ નથી વધાર્યો, પણ 'આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ' નામનો નવો વરવો ટેક્સ પણ ઉમેર્યો છે. GST વળતર ઉપકર (Cess) ની મુદત પૂરી થઈ રહી હોવાથી સરકારે આવક જાળવી રાખવા માટે આ 'માસ્ટર સ્ટ્રોક' માર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકારે બજેટ પહેલા જ આ જાહેરાત કરીને પોતાની તિજોરી ભરી લીધી છે, તેથી હવે બજેટ ભાષણમાં કદાચ વધુ વધારો નહીં આવે. જોકે, આ સમાચારની અસર શેરબજાર પર તરત જોવા મળી હતી અને ITC જેવી જાયન્ટ કંપનીઓના શેરમાં વેચવાલીનો માહોલ સર્જાયો હતો.
ઐતિહાસિક રીતે જોઈએ તો, ૨૦૨૩માં જ્યારે NCCD માં ૧૬% નો વધારો થયો હતો, ત્યારે ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. પરંતુ ૨૦૨૬નું આ 'બજેટ પૂર્વ ઓપરેશન' અત્યાર સુધીનું સૌથી કડક માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના માપદંડો મુજબ સિગારેટની કિંમતમાં ૭૫% હિસ્સો ટેક્સનો હોવો જોઈએ, જ્યારે ભારતમાં અત્યાર સુધી તે માત્ર ૫૩% હતો. હવે આ નવા ટેક્સ માળખા દ્વારા સરકાર આંતરરાષ્ટ્રીય ધોરણોની નજીક પહોંચી રહી છે, જેનો સીધો અર્થ એ છે કે શોખીનો માટે હવે એક-એક કશ મોંઘો પડશે.
સરકારે માત્ર ભાવ જ નથી વધાર્યા, પણ તમાકુ અને પાન મસાલાના ઉત્પાદકો પર નજર રાખવા માટે સીસીટીવી સર્વેલન્સ અને કડક રજીસ્ટ્રેશન જેવા નિયમો પણ લાદ્યા છે. આનાથી અસંગઠિત ક્ષેત્રમાં થતી ટેક્સ ચોરી અટકશે અને સરકારી તિજોરીમાં જંગી રકમ જમા થશે. બજારમાં અત્યારે એવી ચર્ચા છે કે નાણામંત્રીના નવમા બજેટનો આ પહેલો અને સૌથી કડવો ઝટકો છે. હવે જોવાનું એ રહે છે કે બજેટમાં મધ્યમ વર્ગને આ 'પાપ કર' ના બદલામાં કોઈ બીજી રાહત મળે છે કે કેમ?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
