News of Sunday, 1st February 2026
આઝાદ ભારતનું પહેલું બજેટ: જ્યારે માત્ર રૂ.171 કરોડમાં ચાલતો દેશ! જાણો બજેટના ઈતિહાસના 5 અનોખા તથ્યો
79 વર્ષ પહેલાં રૂ.26 કરોડની ખાધ સાથે રજૂ થયું હતું ભારતનું પ્રથમ બજેટ: નાણામંત્રી આર.કે. ષણમુખમ ચેટ્ટીએ ત્રણ મહિનાની આઝાદી બાદ ઈતિહાસ રચ્યો હતો; હલવા સેરેમનીથી લઈને સૌથી લાંબા ભાષણ સુધીની સફર અને બ્રિટિશ કાળની પરંપરાઓમાં થયેલા મોટા ફેરફારોની રોમાંચક ગાથા

નવી દિલ્હી : આજે જ્યારે ભારત લાખો-કરોડોનું બજેટ રજૂ કરે છે, ત્યારે ૧૯૪૭ના એ સમયની કલ્પના કરવી પણ રોમાંચક છે જ્યારે આઝાદ ભારતનું પહેલું બજેટ માત્ર રૂ.૧૭૧.૧૫ કરોડની આવક સાથે રજૂ થયું હતું. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો અને તેના બરાબર ત્રણ મહિના બાદ ૨૬ નવેમ્બર, ૧૯૪૭ના રોજ દેશના પ્રથમ નાણામંત્રી આર.કે. ષણમુખમ ચેટ્ટીએ સંસદમાં પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ કોઈ સામાન્ય આંકડાની રમત નહોતી, પણ ભાગલાના ઘા, કાશ્મીરનું યુદ્ધ અને લાખો શરણાર્થીઓના પુનર્વસન વચ્ચે ભારતને બેઠું કરવાની એક મજબૂત કોશિશ હતી.
બજેટના ઇતિહાસમાં સૌથી મોટો વળાંક ૧૯૯૯માં આવ્યો હતો. અગાઉ અંગ્રેજોની પરંપરા મુજબ બજેટ સાંજે ૫ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાએ આ પ્રથા તોડીને સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી હતી. આ ફેરફાર પાછળનો હેતુ બજેટ પર ચર્ચા કરવા માટે વધુ સમય ફાળવવાનો હતો. તેવી જ રીતે, સૌથી લાંબા અને ટૂંકા ભાષણનો રેકોર્ડ પણ રસપ્રદ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૦માં ૨ કલાક અને ૪૨ મિનિટનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું, જ્યારે હિરુભાઈ પટેલે ૧૯૭૭માં માત્ર ૮૦૦ શબ્દોમાં આખું બજેટ પૂરું કરી દીધું હતું.
બજેટની તૈયારીઓમાં 'હલવા સેરેમની' સૌથી લોકપ્રિય પરંપરા છે. બજેટના દસ્તાવેજો છાપકામ માટે જાય તે પહેલાં નાણા મંત્રાલયમાં હલવો બનાવવામાં આવે છે, જે નાણામંત્રી પોતે સ્ટાફને પીરસે છે. આ મિષ્ટાન પીરસાયા બાદ બજેટ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ મંત્રાલયમાં જ કેદ થઈ જાય છે. ગુપ્તતા જાળવવા માટે તેઓનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવે છે અને મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવે છે. આ લોક-ઈન પિરિયડ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી ચાલે છે, જે દર્શાવે છે કે રૂ.આ દસ્તાવેજ કેટલો સંવેદનશીલ છે.
૧૮૬૦માં જેમ્સ વિલ્સને જ્યારે પહેલું બ્રિટિશ બજેટ રજૂ કર્યું ત્યારથી લઈને ૨૦૨૬ના આધુનિક ડિજિટલ બજેટ સુધીની ભારતની આર્થિક સફર અદભૂત રહી છે. ૧૯૪૭માં સંરક્ષણ પાછળ કુલ બજેટના ૪૭% ખર્ચ કરવામાં આવતા હતા, કારણ કે ત્યારે દેશની સુરક્ષા સર્વોપરી હતી. આજે પણ સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટના કેન્દ્રમાં છે, પરંતુ આજના આંકડાઓ સાબિત કરે છે કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યું છે. બજેટ માત્ર આવક-ખર્ચનો હિસાબ નથી, પણ ૧૪૦ કરોડ દેશવાસીઓના સપનાનું પ્રતિબિંબ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
