News of Sunday, 1st February 2026
ટેક્સમાં મોટી રાહત: અકસ્માત વળતર હવે સંપૂર્ણ ટેક્સ ફ્રી, ૧ એપ્રિલથી નવો આવકવેરા કાયદો!
નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓનું દિલ જીત્યું: મોટર એક્સિડન્ટ ક્લેમની રકમ પર હવે નહી લાગે એક પણ રૂપિયો ટેક્સ; વિદેશમાં ભણવું અને ઈલાજ કરાવવો થયો સસ્તો, 'સિમ્પલીફાઇડ ફોર્મ' થી ટેક્સ રિટર્ન ભરવાની માથાકૂટનો આવશે અંત અને પ્રવાસના શોખીનો માટે ખુશખબર

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં મધ્યમ વર્ગ માટે રાહતોનો પટારો ખોલી દીધો છે. સૌથી મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય લેતા સરકારે જાહેર કર્યું છે કે, હવેથી માર્ગ અકસ્માતના કિસ્સામાં પીડિત કે તેના પરિવારને મળતું વળતર (Motor Accident Claim) સંપૂર્ણપણે ઇન્કમ ટેક્સ મુક્ત રહેશે. અત્યાર સુધી આ રકમ પર લાગતા ટેક્સને કારણે પીડિત પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું, પરંતુ હવે આ જાહેરાતથી દુઃખદ સમયે પરિવારોને મોટી નાણાકીય સહાય મળી રહેશે. આ નિર્ણયને નિષ્ણાતોએ સરકારનો અત્યાર સુધીનો સૌથી માનવીય અભિગમ ગણાવ્યો છે.
કરવેરા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફાર લાવતા નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલ, ૨૦૨૬થી દેશમાં 'ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ' અમલમાં આવશે. આ નવા કાયદા હેઠળ આવકવેરાના ફોર્મ્સને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યા છે. હવે કરદાતાઓએ જટિલ ગણતરીઓ માટે સીએ (CA) ના ચક્કર નહીં કાપવા પડે, કારણ કે નવા 'સિમ્પલીફાઇડ ફોર્મ' એટલા સરળ હશે કે સામાન્ય માણસ પોતે જ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. સરકારનો અંદાજ છે કે આ સરળતાને કારણે ટેક્સ વસૂલાત ૩૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.
વિદેશ જનારા અને વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ બજેટ ખુશીઓ લઈને આવ્યું છે. વિદેશી ટૂર પેકેજ પર લાગતો ૫ ટકા ટેક્સ ઘટાડીને હવે માત્ર ૨ ટકા કરી દેવામાં આવ્યો છે, જેનાથી વિદેશ પ્રવાસ સસ્તો થશે. આટલું જ નહીં, જે માબાપ પોતાના સંતાનોને વિદેશમાં ભણાવવા માંગે છે અથવા ગંભીર બીમારીના ઈલાજ માટે નાણાં મોકલવા માંગે છે, તેમના માટે પણ ટેક્સનો દર ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરી દેવાયો છે. શિક્ષણ અને સારવારના ખર્ચમાં મળેલી આ રાહત મધ્યમ વર્ગના વાલીઓ માટે મોટો ટેકો સાબિત થશે.
સરકારે રોજગારીના ક્ષેત્રમાં પણ નવું સમીકરણ રજૂ કર્યું છે. એમ્પ્લોઇઝ હાયરિંગ સર્વિસ (કર્મચારી ભરતી સેવા) પર ૧ થી ૨ ટકાનો મામૂલી ટેક્સ લાદવામાં આવ્યો છે, જે સંગઠિત ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે. કુલ ૩૬.૫ લાખ કરોડ રૂપિયાના બજેટ અંદાજ સાથે, સરકારે ૧૧ લાખ કરોડ રૂપિયા પાયાની સુવિધાઓ (Capex) પાછળ ખર્ચવાનું નક્કી કર્યું છે. એકંદરે, આ બજેટ કરદાતાઓના ખિસ્સામાં વધુ બચત અને વહીવટી પ્રક્રિયામાં વધુ સરળતા લાવનારું સાબિત થશે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
