News of Sunday, 1st February 2026
પાકિસ્તાન રક્તરંજિત: બલૂચ બળવાખોરોનો કહેર
બલૂચિસ્તાનના 9 શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને હુમલામાં 100 થી વધુના મોત; પોતાની સુરક્ષા નિષ્ફળતા છુપાવવા પાકિસ્તાને ફરી ભારત પર દોષારોપણનો જૂનો રાગ આલાપ્યો

શહેર: ક્વેટા (બલૂચિસ્તાન): પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત બલૂચિસ્તાન શનિવારે ભયાનક રક્તપાતનો સાક્ષી બન્યો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ 'ઓપરેશન હારુફ' હેઠળ પાકિસ્તાની સેના અને સરકારી પ્રતિષ્ઠા પર વરવો પ્રહાર કર્યો છે. ક્વેટા, ગ્વાદર અને પંજગુર સહિતના 9 મોટા શહેરોમાં એકસાથે થયેલા આત્મઘાતી હુમલા અને વિસ્ફોટોએ પાકિસ્તાની સુરક્ષા તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. આ હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 15 સૈનિકો અને 18 સામાન્ય નાગરિકો સહિત અનેક લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે, જ્યારે સેનાના વળતા પ્રહારમાં 133 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ હુમલાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બલૂચ બળવાખોરોએ અનેક સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો હતો અને ડઝનબંધ પાકિસ્તાની જવાનોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. સમગ્ર વિસ્તારમાં ચારેબાજુ વિસ્ફોટના નિશાન અને વિખરાયેલા મૃતદેહો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગ્વાદર ઇકોનોમિક કોરિડોર અને ચીની પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહેલા બળવાખોરોએ આ વખતે રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે, જેના કારણે નિર્દોષ મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવવો પડ્યો છે.
પરંપરાગત રીતે, પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષામાં રહેલી ગંભીર ખામીઓને સ્વીકારવાને બદલે ફરી એકવાર 'વિક્ટિમ કાર્ડ' રમી રહ્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ કોઈપણ નક્કર પુરાવા વિના આ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો છે. ક્વેટાની મુલાકાત દરમિયાન તેમણે ઝેર ઓકતા જણાવ્યું કે આ હુમલાઓનું કાવતરું ભારત દ્વારા ઘડવામાં આવ્યું હતું. પાકિસ્તાનની આ નવી નીતિ બની ગઈ છે કે જ્યારે પણ દેશમાં અરાજકતા ફેલાય, ત્યારે ભારત કે અફઘાનિસ્તાન પર દોષનો ટોપલો ઢોળી દેવો.
બીજી તરફ, બલૂચ લિબરેશન આર્મીએ સત્તાવાર રીતે આ હુમલાઓની જવાબદારી સ્વીકારીને પાકિસ્તાની સેનાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો છે કે આ ઓપરેશન માત્ર 9 નહીં પણ 14 શહેરોમાં 48 અલગ-અલગ સ્થળોએ ચલાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. પાકિસ્તાન જે આતંકવાદના બીજ વાવી રહ્યું હતું, તે હવે તેના પોતાના જ આંગણે વિનાશ વેરવા લાગ્યો છે, છતાં સત્તાધીશો પોતાની ભૂલો સુધારવાને બદલે માત્ર આક્ષેપબાજીમાં વ્યસ્ત છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
