<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ ૨૦૨૬ પ્રવાસન સ્પેશિયલ: વિદેશ ફરવા જનારાઓને જલસા

૨૦ લાખના પેકેજ પર પહેલા ૪ લાખ કપાતા હતા તે હવે માત્ર ૪૦ હજાર કપાશે; ટીસીએસ ઘટીને સીધો ૨ ટકા થયો

રાજકોટ: નાણામંત્રીએ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગને સૌથી મોટી રાહત આપી છે. વિદેશી ટૂર પેકેજ પર અત્યાર સુધી જે ૨૦ ટકા સુધીનો આકરો ટીસીએસ લાગતો હતો તે ઘટાડીને હવે માત્ર ૨ ટકા કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી પ્રવાસીઓના લાખો રૂપિયા મહિનાઓ સુધી સરકાર પાસે જમા રહેતા હતા તે હવે બચી જશે.

 

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો માટે મોટી ભેટ આપી છે. ટેક્સ કલેકટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસના દરોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જૂના નિયમ મુજબ વિદેશી ટૂર પેકેજ પર ૫ ટકા ટીસીએસ લાગતો હતો અને જો રકમ ૨૦ લાખ રૂપિયાથી વધારે હોય તો સીધો ૨૦ ટકા ટીસીએસ લાગતો હતો. સરકારે હવે આ તમામ સ્લેબ કાઢી નાખીને ફ્લેટ ૨ ટકા ટીસીએસ વસૂલવાની જાહેરાત કરી છે.

 

આ નિર્ણયથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે તેનું ગણિત સમજવા જેવું છે. ધારો કે કોઈ વ્યક્તિ ૨૦ લાખ રૂપિયાનું ફેમિલી ટૂર પેકેજ બુક કરાવે તો અત્યાર સુધીના નિયમ મુજબ ૨૦ ટકા લેખે તેમના ૪,૦૦,૦૦૦ રૂપિયા એટલે કે ચાર લાખ રૂપિયા ટીસીએસ પેટે કપાતા હતા. આ રકમ સરકારમાં જમા થઈ જતી હતી અને જ્યાં સુધી રિટર્ન ફાઈલ ન થાય ત્યાં સુધી એટલે કે ૮ થી ૧૦ મહિના સુધી આ રૂપિયા રોકાઈ રહેતા હતા. હવે નવા નિયમ મુજબ ૨૦ લાખના પેકેજ પર માત્ર ૨ ટકા લેખે ૪૦,૦૦૦ રૂપિયા એટલે કે ચાલીસ હજાર રૂપિયા જ કપાશે. આમ, પ્રવાસીના ૩,૬૦,૦૦૦ રૂપિયા બ્લોક થતા બચી જશે.

(2:26 PM IST)