હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી/ઢાકા: દક્ષિણ એશિયાના રાજકારણ અને સુરક્ષા ક્ષેત્રે એક એવો ઘટસ્ફોટ થયો છે જેણે ભારતીય ગુપ્તચર એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે. એક પ્રખર બાંગ્લાદેશી તપાસકર્તા પત્રકાર સાહિદુલ હસન ખોકોને દાવો કર્યો છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ૧૧૩ જેટલા ખતરનાક આતંકીઓ સીધા પાકિસ્તાનથી વિમાન માર્ગે બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યા છે. ૩૦ જાન્યુઆરીના રોજ કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડેલી બાંગ્લાદેશ એરલાઇન્સની ફ્લાઇટ BG-342 માં સવાર આ મુસાફરોની ઓળખ લશ્કરના સક્રિય સભ્યો તરીકે કરવામાં આવી છે, જે ભારત માટે અત્યંત ચિંતાજનક સંકેત છે.
પત્રકાર ખોકોને પુરાવા તરીકે કેટલાક પાસપોર્ટની વિગતો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે દર્શાવે છે કે આ આતંકીઓની ઓળખ અને સંગઠનાત્મક કડીઓ પાસપોર્ટમાં સ્પષ્ટપણે જોવા મળે છે. આમ છતાં, ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમને કોઈ પણ રોકટોક વગર પ્રવેશ મળવો એ બાંગ્લાદેશની સુરક્ષા વ્યવસ્થાની ઘોર બેદરકારી અથવા તો ત્યાંના શાસક જુન્ટાની ઈરાદાપૂર્વકની રહેમનજર હોવાનું મનાય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પાકિસ્તાન તરફથી થતો કોઈ પણ આતંકવાદી હુમલો 'સીધું યુદ્ધ' (Act of War) ગણવામાં આવશે.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન હવે તેની જૂની રમત રમી રહ્યું છે. સીધી સરહદેથી ભારતમાં ઘૂસણખોરી કરવી મુશ્કેલ બનતા હવે તે બાંગ્લાદેશની અસ્થિરતાનો લાભ લઈને ભારતની પૂર્વી સરહદનો ઉપયોગ હુમલા માટે કરી શકે છે. ઢાકાની ધરતી પર લશ્કરના આતંકીઓનો આટલી મોટી સંખ્યામાં જમાવડો એ સંકેત આપે છે કે નવી દિલ્હી વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે. જો બાંગ્લાદેશ સરકાર આ આતંકી તત્વો પર લગામ નહીં કસે, તો ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં પણ મોટી ખાઈ પડી શકે છે અને આગામી દિવસોમાં સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM