<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

દુનિયા આખી સલામત, પણ ભારત પર 'નિપાહ'નું જોખમ! WHO ના વડાની ગંભીર ચેતવણી: "વાયરસ દુર્લભ છે પણ જીવલેણ છે"

પશ્ચિમ બંગાળમાં દસ્તક દેતા કાતિલ નિપાહ વાયરસથી વૈશ્વિક સ્તરે ફફડાટ; અન્ય કોઈ દેશમાં નહીં પણ માત્ર ભારતમાં જ કેસ નોંધાતા તંત્ર એલર્ટ, ૧૯૦ લોકો પર સતત નજર!

નવી દિલ્હી/જીનીવા: કોરોનાકાળના ભયાનક અનુભવ બાદ હવે દુનિયાની નજર ફરી એકવાર ભારત પર ટકી છે, પરંતુ આ વખતે કારણ ચિંતાજનક છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે શનિવારે એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન જારી કરતા જણાવ્યું છે કે, ઘાતક નિપાહ વાયરસના વર્તમાન કેસ અત્યારે વિશ્વમાં માત્ર ભારત સુધી જ મર્યાદિત છે. જોકે આ વાયરસના કેસ દુર્લભ છે, પરંતુ તેની ગંભીરતા અને મૃત્યુદર એટલો ઊંચો છે કે તે કોઈપણ ક્ષણે જાહેર આરોગ્ય માટે મોટું સંકટ ઊભું કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા ડૉ. ટેડ્રોસે જણાવ્યું કે, ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં નિપાહ વાયરસના બે નવા કેસ નોંધાયા છે. ૧૯૯૮માં આ વાયરસની પ્રથમ ઓળખ થયા બાદ પશ્ચિમ બંગાળમાં આ ત્રીજી વખત છે જ્યારે આ વાયરસે માથું ઉંચક્યું હોય. નિપાહ વાયરસ સીધો મગજ પર અસર કરતો હોવાથી અને તેનો કોઈ ચોક્કસ ઈલાજ ઉપલબ્ધ ન હોવાથી WHO એ ભારત સરકારને સતર્ક રહેવા અને કડક દેખરેખ રાખવા સૂચના આપી છે.

રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં ૧૯૦થી વધુ એવા લોકોની ઓળખ કરવામાં આવી છે જેઓ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. ભારતીય આરોગ્ય અધિકારીઓ આ તમામ 'હાઈ-રિસ્ક' સંપર્કોનું સતત ટ્રેકિંગ કરી રહ્યા છે. સારી બાબત એ છે કે અત્યાર સુધી આ ૧૯૦ સંપર્કોમાંથી કોઈ પણ વ્યક્તિમાં નિપાહના લક્ષણો જોવા મળ્યા નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી થોડા દિવસોમાં નવા કેસ નહીં નોંધાય, તો આ ચેપને ફેલાતો રોકી શકાશે. જોકે, અન્ય દેશોમાં હજુ સુધી એક પણ કેસ ન હોવાથી ભારત માટે આ પરીક્ષાની ઘડી છે કે તે કેવી રીતે આ વાયરસને લોકલ સ્તરે જ ડામી દે છે.

(2:27 PM IST)