<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: મધ્ય-પૂર્વમાં ઇરાન ઘેરાયું! ઇઝરાયલ અને સાઉદી અરેબિયા સાથે રૂ. ૧.૩૩ લાખ કરોડનો સૌથી મોટો શસ્ત્ર સોદો

અપાચે હેલિકોપ્ટરથી લઈને પેટ્રિઅટ મિસાઈલો સુધી; અમેરિકાએ ઇઝરાયલ-સાઉદીને હથિયારોથી સજ્જ કરી ઈરાન વિરુદ્ધ લોખંડી કવચ તૈયાર કર્યું, શું ખાડી દેશોમાં હવે યુદ્ધના નગારા વાગશે?

વોશિંગ્ટન/રિયાધ/તેલ અવીવ: વૈશ્વિક રાજકારણના પટલ પર રમાઈ રહેલી ચેસની રમતમાં અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે એક એવો ચાલ ચાલ્યો છે જેણે સમગ્ર મધ્ય-પૂર્વ (Middle East) ના સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા છે. શુક્રવારે મોડી રાત્રે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને સંયુક્ત રીતે ૧૬ અબજ ડૉલર (આશરે ₹૧.૩૩ લાખ કરોડ) ના અત્યાધુનિક શસ્ત્રો વેચવાની લીલી ઝંડી આપી દીધી છે. આ સોદો માત્ર હથિયારોનું વેચાણ નથી, પરંતુ ઈરાન સામે અમેરિકા અને તેના મિત્ર દેશોની એક અત્યંત શક્તિશાળી ફ્રન્ટલાઇન તૈયાર કરવાનો વ્યૂહાત્મક પ્લાન હોવાનું માનવામાં આવે છે.

આ મેગા ડીલ અંતર્ગત ઇઝરાયલને ૬.૬૭ અબજ ડૉલરનું સૈન્ય પેકેજ મળશે, જેમાં અત્યંત ઘાતક ગણાતા ૩૦ અપાચે હેલિકોપ્ટર, ૩૨૫૦ લાઈટ ટેક્ટિકલ વાહનો અને બખ્તરબંધ પાવર પેકનો સમાવેશ થાય છે. આ હથિયારોથી ઇઝરાયલ તેની સરહદો અને વસ્તી કેન્દ્રોને ઈરાન સમર્થિત સંગઠનોના હુમલાઓથી લોખંડી સુરક્ષા પૂરી પાડી શકશે. બીજી તરફ, સાઉદી અરેબિયાને ૯ અબજ ડૉલરના સોદા હેઠળ ૭૩૦ પેટ્રિઅટ મિસાઇલો અને આધુનિક લશ્કરી ગિયર ફાળવવામાં આવ્યા છે. આ પગલું સાઉદીને બિન-નાટો સાથી તરીકેની તેની ભૂમિકા મજબૂત કરવા અને ગલ્ફ ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે સક્ષમ બનાવશે.

નોંધનીય છે કે, આ સોદો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ તેની ચરમસીમાએ છે. અગાઉ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કરવા દેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ યુએસ વિદેશ સચિવ માર્કો રુબિયો સાથેની મુલાકાત બાદ ચિત્ર બદલાયું હોય તેવું લાગે છે. સાઉદી સંરક્ષણ પ્રધાન ખાલિદ બિન સલમાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટ્રમ્પ પ્રશાસન ઈરાનની ધમકીઓ સામે કડક પગલાં નહીં ભરે, તો ઈરાનનું શાસન વધુ બેફામ બનશે. આ શસ્ત્ર સોદો હવે સાઉદીના વલણમાં પરિવર્તન લાવશે અને ઈરાન સામેના સંભવિત લશ્કરી મોરચાને વધુ મજબૂત બનાવશે.

(2:28 PM IST)