News of Sunday, 1st February 2026
'ઓપરેશન સિંદૂર' અને સંરક્ષણ બજેટનો વિસ્ફોટ: ભારતે રૂ.૭.૮ લાખ કરોડનું અભેદ્ય કવચ તૈયાર કર્યું; સરહદો પર દુશ્મનોની ખેર નહીં
બજેટ ૨૦૨૬માં ડિફેન્સ સેક્ટર માટે ૧ લાખ કરોડનો જંગી ઉછાળો: રાફેલ, સ્ટેલ્થ સબમરીન અને કિલર ડ્રોન્સનું હવે ભારતમાં જ થશે તાબડતોબ ઉત્પાદન; ડ્યુટી માફીથી આત્મનિર્ભરતાને લાગશે પાંખો

નવી દિલ્હી: વૈશ્વિક અશાંતિ અને સરહદો પર વધતા પડકારો વચ્ચે, મોદી સરકારે ભારતીય સંરક્ષણ દળોને દુનિયાના સૌથી શક્તિશાળી લશ્કરમાં પરિવર્તિત કરવા માટે ખજાનો ખોલી દીધો છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સંરક્ષણ મંત્રાલયને કુલ રૂ.૭.૮ લાખ કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે. આ આંકડો ગયા વર્ષના રૂ.૬.૮૧ લાખ કરોડ કરતા સીધો ૧૪-૧૫% નો વધારો દર્શાવે છે. આ માત્ર આંકડા નથી, પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી.
આ બજેટનું સૌથી મહત્વનું પાસું 'આધુનિકીકરણ' છે. સંરક્ષણ દળોને નવા શસ્ત્રો અને ટેકનોલોજી ખરીદવા માટે રૂ.૨.૧૯ લાખ કરોડનું મૂડી બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફંડનો ઉપયોગ નૌકાદળ માટે વધારાના રાફેલ-એમ ફાઈટર જેટ્સ, પ્રોજેક્ટ 75I હેઠળ છ નવી હાઈ-ટેક સ્ટીલ્થ સબમરીન અને આધુનિક ડ્રોન સિસ્ટમ્સ ખરીદવા માટે કરવામાં આવશે. ખાસ કરીને, તેજસ માર્ક-૧એ, પ્રચંડ હેલિકોપ્ટર અને એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ જેવા પ્રોજેક્ટ્સને આ બજેટથી નવી ગતિ મળશે. હવે ભારત માત્ર શસ્ત્રો ખરીદશે નહીં, પણ 'આત્મનિર્ભર ભારત' હેઠળ દેશની ધરતી પર જ તેનું નિર્માણ કરશે.
રૂ.એક ક્રાંતિકારી નિર્ણયમાં, સરકારે સંરક્ષણ ઉત્પાદન માટેના કાચા માલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે. આનાથી વિમાનના સ્પેરપાર્ટ્સ અને અન્ય સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન સસ્તું થશે અને વિદેશી નિર્ભરતા ઘટશે. વાયુસેના માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના વધતા ભાવો એક પડકાર છે, પરંતુ સરકારે તેના ઉકેલ તરીકે બાયોફ્યુઅલ અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) પર ભાર મૂક્યો છે. ૨૦૨૭ સુધીમાં ૧% SAF મિશ્રણનું લક્ષ્ય ભારતને ઉર્જા ક્ષેત્રે પણ સુરક્ષિત બનાવશે. ટૂંકમાં, આ બજેટ ભારતને 'ગ્લોબલ ડિફેન્સ હબ' બનાવવા તરફનું એક નિર્ણાયક અને સાહસિક પગલું છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
