News of Sunday, 1st February 2026
એપ્સટીન ફાઇલ્સમાં જાણીતા ભારતીય ચહેરાઓના નામ ખુલતા ખળભળાટ : મીરા નાયરથી લઈને અનિલ અંબાણી સુધીની હસ્તીઓના ઉલ્લેખથી સનસનાટી
સેક્સ ટ્રાફિકિંગના દોષિત મેક્સવેલની હાઉસ પાર્ટીમાં ફિલ્મ મેકર મીરા નાયરની હાજરી હોવાનો ઈમેઈલમાં ખુલાસો : બિઝનેસ ટાયકૂન અનિલ અંબાણી અને આધ્યાત્મિક ગુરુ દીપક ચોપરાના નામ પણ ફાઈલોમાં ચમક્યા : બિલ ક્લિન્ટન અને જેફ બેઝોસ જેવા દિગ્ગજો સાથે ભારતીય નામો જોડાતા ચર્ચા જાગી

ન્યૂયોર્ક : અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જેફરી એપ્સટીન સંબંધિત દસ્તાવેજોના નવા સેટમાં અનેક દિગ્ગજ ભારતીયોના નામ સામે આવ્યા છે. આ યાદીમાં બોલિવૂડ અને હોલીવૂડમાં જાણીતું નામ ધરાવતા ફિલ્મ નિર્દેશક મીરા નાયર, રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને પ્રખ્યાત લેખક દીપક ચોપરાનો સમાવેશ થાય છે. આ ખુલાસાઓને પગલે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
મીરા નાયર અને મેક્સવેલની ટાઉનહાઉસ પાર્ટી
રિલીઝ થયેલા ઈમેઈલ અને દસ્તાવેજો મુજબ, ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીના માતા અને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મીરા નાયર ૨૦૦૯માં ઘિસ્લેન મેક્સવેલના ટાઉનહાઉસ પર યોજાયેલી એક પાર્ટીમાં હાજર રહ્યા હતા.
* ઈમેઈલની વિગત: એક ઈમેઈલમાં લખ્યું હતું કે, "અત્યારે જ ઘિસ્લેનના ટાઉનહાઉસમાંથી નીકળ્યા... ફિલ્મ 'એમેલિયા'ની આફ્ટર પાર્ટી હતી. ત્યાં બિલ ક્લિન્ટન, જેફ બેઝોસ અને મીરા નાયર જેવા અનેક જાણીતા લોકો હાજર હતા."
* રિપોર્ટ મુજબ આ પાર્ટી મીરા નાયરની ૨૦૦૯માં આવેલી ફિલ્મ 'એમેલિયા'ના પ્રમોશન કે આફ્ટર પાર્ટી તરીકે યોજાઈ હતી, જેમાં હોલીવૂડ અભિનેત્રી હિલેરી સ્વાન્ક પણ હાજર રહી હતી.
અનિલ અંબાણી અને એપ્સટીન વચ્ચેની વાતચીત
'ડ્રોપ સાઈટ ન્યૂઝ'ના અહેવાલ મુજબ, ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું નામ પણ આ ફાઈલોમાં જોવા મળ્યું છે. દસ્તાવેજો સૂચવે છે કે ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત-ઈઝરાયેલ સંબંધો અને મુલાકાત સંદર્ભે અનિલ અંબાણી અને જેફરી એપ્સટીન વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, આ સંપર્ક કયા સ્તરનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.
દીપક ચોપરા સાથેનો સંપર્ક
આધ્યાત્મિક ગુરુ અને લેખક દીપક ચોપરાનું નામ પણ આ યાદીમાં છે. દસ્તાવેજો દર્શાવે છે કે ૨૦૧૬માં જેફરી એપ્સટીને દીપક ચોપરાને એક ન્યૂઝ લિંક મોકલી હતી. આ લિંક ડોનાલ્ડ ટ્રમ્પ પરના એક કેસના સંદર્ભમાં હતી. જોકે, ફાઈલોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટૂંકા સંદેશા વ્યવહાર પછી તેમની વચ્ચે કોઈ લાંબી વાતચીત થઈ હોવાના પુરાવા મળ્યા નથી.
એપ્સટીન કેસ શું છે?
જેફરી એપ્સટીન અમેરિકાનો એક વગદાર ફાયનાન્સર હતો જે સગીર છોકરીઓના જાતીય શોષણ અને સેક્સ ટ્રાફિકિંગના ગંભીર ગુનામાં પકડાયો હતો. ૨૦૧૯માં જેલમાં જ તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તેની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ હાલમાં જેલમાં સજા કાપી રહી છે. આ કેસમાં વિશ્વના અનેક મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓના નામ સંડોવાયેલા છે, જેમાં હવે ભારતીય હસ્તીઓના નામ ઉમેરાતા નવો વિવાદ સર્જાયો છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
