News of Sunday, 1st February 2026
બજેટ 2026 માં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઐતિહાસિક રાહતો : કેન્સરની 17 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ : દર્દીઓને મળશે મોટી આર્થિક રાહત
ઉત્તર ભારતમાં 'નિમ્હાંસ 2.0' ની સ્થાપના અને જામનગરના WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાત : દુર્લભ બીમારીઓની વધુ 7 દવાઓ પરની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવી : જિલ્લા હોસ્પિટલોમાં ઈમરજન્સી સુવિધાઓમાં 50 ટકાનો ધરખમ વધારો કરાશે

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2026-27માં દેશના આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવા અને સામાન્ય માનવી પરના તબીબી ખર્ચના બોજને ઘટાડવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા પરિવારો માટે બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે.
કેન્સર અને દુર્લભ બીમારીઓની દવાઓ થશે સસ્તી
કેન્સરની સારવારને વધુ સુલભ અને સસ્તી બનાવવા માટે સરકારે કેન્સર સંબંધિત 17 દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અંગત ઉપયોગ માટે આયાત કરવામાં આવતી અન્ય 7 દુર્લભ બીમારીઓની દવાઓ અને વિશેષ તબીબી ખોરાકને પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી જીવનરક્ષક સારવારના આર્થિક બોજમાં મોટો ઘટાડો થશે.
માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમા કેર પર વિશેષ ધ્યાન
માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે માળખાગત સુવિધાઓ વધારવા માટે સરકારે ઉત્તર ભારતમાં પ્રીમિયર મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ 'NIMHANS 2.0' સ્થાપવાની જાહેરાત કરી છે. આ સાથે રાંચી અને તેજપુરની હાલની માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓને રિજનલ એપેક્સ સેન્ટર તરીકે અપગ્રેડ કરવામાં આવશે. કટોકટીના સમયે ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દેશની તમામ જિલ્લા હોસ્પિટલોમાં ઈમરજન્સી અને ટ્રોમા કેર સુવિધાઓમાં 50 ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આયુર્વેદ અને ટ્રેડિશનલ મેડિસિનને વેગ
વૈશ્વિક સ્તરે આયુર્વેદની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ત્રણ નવી 'ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ' સ્થાપવામાં આવશે. આ સાથે આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓના આધુનિકીકરણની સાથે જામનગર ખાતેના 'WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર'ને પણ અપગ્રેડ કરવામાં આવશે, જેનાથી આ ક્ષેત્રમાં કૌશલ્ય અને ગુણવત્તામાં સુધારો થશે.
રાજ્યોના હિસ્સામાં વધારો
નાણામંત્રીએ 16માં નાણા પંચની ભલામણોનો સ્વીકાર કરતા કેન્દ્રીય કરવેરામાં રાજ્યોનો હિસ્સો 41 ટકા જાળવી રાખવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત વર્ષ 2026-27માં રાજ્યો માટે રૂ. 1.4 લાખ કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનાથી રાજ્યો પોતાની સ્વાસ્થ્ય અને અન્ય લોકકલ્યાણની યોજનાઓને વધુ અસરકારક રીતે અમલી બનાવી શકશે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
