News of Sunday, 1st February 2026
પંજાબમાં રાજકીય ગરમાવો : નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ પાર્ટીને છોડી: પ્રદેશ પ્રમુખ પર ગંભીર આરોપ
રાજા વડિંગ પર ગંભીર આક્ષેપો કર્યા અને વડાપ્રધાન મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ પાર્ટી નેતૃત્વ અને ખાસ કરીને પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગ સામે મોરચો માંડ્યો છે. ડૉ. નવજોત કૌરે સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સાનો ઈઝહાર કરતા રાજા વડિંગ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને બીજી તરફ વડાપ્રધાન મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે, જેના કારણે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી અટકળો તેજ બની છે.
નવજોત કૌર સિદ્ધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા પ્રહારો કરતા લખ્યું છે કે, "રાજા વડિંગ, તમે અત્યાર સુધીના સૌથી ભયાનક, અક્ષમ અને ભ્રષ્ટ પ્રમુખ છો. તમે પોતાની જાતને જેલ જવાથી બચાવવા માટે મુખ્યમંત્રી સાથે મળીને કોંગ્રેસને ખતમ કરવાનું કામ કર્યું છે. તમે આમ આદમી પાર્ટી સાથે મળીને નાના-મોટા ફાયદા માટે પાર્ટીને વેચી દીધી છે." કૌરના આ નિવેદને પંજાબના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
ડૉ. સિદ્ધુએ માત્ર આરોપો જ નથી લગાવ્યા, પરંતુ ખુલ્લી ચીમકી પણ આપી છે. તેમણે લખ્યું, "તમે મારા માટે સસ્પેન્શન લેટર તૈયાર રાખ્યો હતો, પરંતુ તે 12 સિનિયર નેતાઓનું શું જે નવજોતને નુકસાન પહોંચાડવા માટે મજીઠિયા સાથે કામ કરવામાં વ્યસ્ત હતા? મારી પાસે તને બરબાદ કરવા માટે પૂરતા પુરાવા છે, પરંતુ મને હવે તેમાં કોઈ રસ નથી કારણ કે મેં જાતે જ કોંગ્રેસ છોડી દીધી છે." તેમણે આક્ષેપ કર્યો કે વડિંગે નવજોત સિદ્ધુને હરાવવા માટે પોતાની જ પાર્ટીના નેતાઓને હોદ્દાઓ આપ્યા હતા.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
