<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ફેબ્રુઆરી ૨૦૨૬ 'મિરેકલ ઇન' હોવાનો દાવો નરદમ જૂઠો : ૮૨૩ વર્ષે એકવાર આવતી અજાયબીના નામે સોશિયલ મીડિયામાં અફવાઓનું બજાર ગરમ

કેલેન્ડરના ગણિત મુજબ ૨૮ દિવસના દરેક ફેબ્રુઆરીમાં ૪ રવિવાર અને ૪ સોમવાર આવવા એ સામાન્ય પ્રક્રિયા : 'ચમત્કાર'ના નામે મેસેજ ફોરવર્ડ કરવાની અંધશ્રદ્ધા ફેલાવતા તત્વોથી સાવધાન રહેવા ફેક્ટ ચેકર્સની ચેતવણી : વાયરલ દાવામાં કોઈ વૈજ્ઞાનિક આધાર નથી

નવી દિલ્હી : સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રૂપમાં હાલમાં ફેબ્રુઆરી ૨૦૨૬ને લઈને એક મેસેજ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફેબ્રુઆરી ૨૦૨૬ એ એક અત્યંત દુર્લભ મહિનો છે જે ૮૨૩ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ ઘટનાને 'મિરેકલ ઇન' (MiracleIn) તરીકે ઓળખાવવામાં આવી રહી છે. જોકે, કેલેન્ડર નિષ્ણાતો અને ફેક્ટ ચેકર્સના મતે આ દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો અને ભ્રામક છે.
શું છે વાયરલ મેસેજ અને દાવો?
વાયરલ થઈ રહેલા મેસેજમાં જણાવાયું છે કે ફેબ્રુઆરી ૨૦૨૬માં ૪ રવિવાર, ૪ સોમવાર, ૪ મંગળવાર, ૪ બુધવાર, ૪ ગુરુવાર, ૪ શુક્રવાર અને ૪ શનિવાર આવે છે, જે ૮૨૩ વર્ષમાં એકવાર બનતી ઘટના છે. કેટલાક મેસેજમાં તો એવી અંધશ્રદ્ધા પણ ફેલાવવામાં આવી રહી છે કે આ મેસેજ ફોરવર્ડ કરવાથી ચમત્કાર થશે અથવા નસીબ ખૂલી જશે. અમુક વર્ઝનમાં એવો પણ વિચિત્ર દાવો કરાયો છે કે આ મહિનામાં એક દિવસ ૨૫ કલાકનો હશે.
કેલેન્ડરનું સાદું ગણિત: કેમ આ કોઈ ચમત્કાર નથી?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ સામાન્ય વર્ષ (જે લિપ વર્ષ ન હોય) તેમાં ફેબ્રુઆરી મહિનો ૨૮ દિવસનો જ હોય છે. ૨૮ દિવસ એટલે કે પૂરેપૂરા ચાર અઠવાડિયા (૨૮ ÷ ૭ = ૪). આ સાદા ગણિત મુજબ, ૨૮ દિવસના દરેક ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાનો દરેક વાર બરાબર ચાર વખત જ આવે છે. ૨૦૨૬ એ લિપ વર્ષ નથી, તેથી તેમાં દરેક વાર ચાર વખત આવવા એ એક સામાન્ય કેલેન્ડર પેટર્ન છે, કોઈ દુર્લભ ઘટના નથી.
ફેક્ટ ચેકર્સનો ખુલાસો: જૂની અફવા નવા નામે
AFP ફેક્ટ ચેક અને અફ્રિકા ચેક જેવી સંસ્થાઓએ આ દાવાની તપાસ કરી તેને નકારી કાઢ્યો છે. આ અગાઉ પણ ૨૦૨૧, ૨૦૨૨ અને અન્ય વર્ષોમાં ફેબ્રુઆરી મહિના માટે આ જ ‘૮૨૩ વર્ષ’ વાળો મેસેજ વર્ષ બદલીને વાયરલ કરવામાં આવ્યો હતો. Timeanddate.com મુજબ, 'મિરેકલ ઇન' શબ્દનો કેલેન્ડર વિજ્ઞાનમાં કોઈ અર્થ કે અસ્તિત્વ નથી. આ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા અને મેસેજ વાયરલ કરવા માટે રચાયેલી એક તરકીબ છે.
આમ, ફેબ્રુઆરી ૨૦૨૬ એ એક સામાન્ય મહિનો છે અને તેમાં કોઈ પણ પ્રકારની ભૌગોલિક કે કેલેન્ડર સંબંધિત અજાયબી નથી. જનતાને આવા પાયાવિહોણા મેસેજથી દૂર રહેવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.

(7:06 PM IST)