News of Monday, 2nd February 2026
અમેરિકાના ફ્લોરિડામાં કાતિલ ઠંડીનો કહેર : ઓર્લેન્ડો એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ ટાવરમાં ઇમરજન્સી સર્જાતા તમામ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરાઈ
રેકોર્ડબ્રેક ઠંડીને કારણે એરપોર્ટની ફાયર સિસ્ટમ એક્ટિવેટ થઈ જતા આગનો ખોટો એલાર્મ ગુંજ્યો : ઓર્લેન્ડોમાં લઘુત્તમ તાપમાન -4 ડિગ્રીએ પહોંચતા 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો : ફ્લોરિડાના અનેક શહેરોમાં ઠંડીનું રેડ એલર્ટ અને 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડતા હજારો મુસાફરો અટવાયા

ઓર્લેન્ડો, તા. 2 ફેબ્રુઆરી ; અમેરિકાના 'સનશાઈન સ્ટેટ' તરીકે ઓળખાતા ફ્લોરિડામાં રવિવારે પ્રચંડ ઠંડીએ વિનાશ વેર્યો છે. કાતિલ ઠંડીના કારણે ઓર્લેન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટાવરમાં ટેકનિકલ ઈમરજન્સી સર્જાતા તંત્રને થોડા સમય માટે તમામ ફ્લાઈટ્સ રોકી દેવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે ફ્લોરિડાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર ભારે અરાજકતા જોવા મળી હતી.
ઠંડીને કારણે આગનો ખોટો એલાર્મ ગુંજ્યો:
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા રવિવારે બપોરે એરપોર્ટ પર 'ગ્રાઉન્ડ સ્ટોપ' એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલોમાં ટાવરમાં આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને ટાવર ખાલી કરાવવામાં આવ્યો હતો. જોકે, તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ભીષણ ઠંડીને કારણે ફાયર સપ્રેશન સિસ્ટમનું સ્પ્રિંકલર હેડ ફાટી ગયું હતું, જેને કારણે સિસ્ટમે આગ લાગી હોવાનું માની એલાર્મ વગાડ્યો હતો. આશરે 4:15 વાગ્યે પરિસ્થિતિ સ્પષ્ટ થયા બાદ ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ કરાયું હતું.
90 વર્ષનો રેકોર્ડ તૂટ્યો - 213 ફ્લાઇટ્સ મોડી:
ઓર્લેન્ડોમાં રવિવારે ઠંડીએ વર્ષ 1936નો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1936માં ફેબ્રુઆરીમાં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી નોંધાયું હતું, જેની સામે 1 ફેબ્રુઆરી 2026ના રોજ પારો ગગડીને -4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ફ્લાઈટ અવેરના ડેટા મુજબ, આ ઈમરજન્સી અને ખરાબ હવામાનને કારણે 213 ફ્લાઈટ્સ મોડી પડી હતી, જેનાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ફ્લોરિડાના અનેક શહેરોમાં હિમવર્ષા જેવી સ્થિતિ:
માત્ર ઓર્લેન્ડો જ નહીં, પરંતુ ડેટોના બીચ, લીસબર્ગ, સેનફોર્ડ, મેલબોર્ન અને વેરો બીચ જેવા શહેરોમાં પણ ફેબ્રુઆરી મહિનાનું અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નેશનલ વેધર સર્વિસે પૂર્વ-મધ્ય ફ્લોરિડાના તમામ કાઉન્ટીઓ માટે 'એક્સ્ટ્રીમ કોલ્ડ વોર્નિંગ' જારી કરી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વોલુસિયા, લેક અને ઓરેન્જ સહિતના વિસ્તારોમાં તાપમાન હજુ ઘટીને -6 થી -10 ડિગ્રી સુધી જઈ શકે છે અને હાડ થીજવતી ઠંડી પવન સાથે જોખમી બની શકે છે. સોમવારે સવાર સુધી આ કટોકટીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.
(7:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
