<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ભારે ઠંડી વચ્‍ચે કાશ્‍મીર ખીણમાં ભૂકંપઃ તીવ્રતા ૪.૮

લોકોમાં થોડી ક્ષણ માટે ભય ફેલાયો

શ્રીનગર તા.૨: આજે વહેલી સવારે જમ્‍મુ-કાશ્‍મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૪.૮ નોંધાઈ છે. ભૂકંપ ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૫:૩૫ વાગ્‍યે આવ્‍યો હતો.

ભૂકંપનું કેન્‍દ્રબિદુ હંજીવેરા વિસ્‍તાર નજીક જમીનથી અંદાજે ૧૦ કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા ખાસ કરીને બારામુલ્‍લા સહિત આસપાસના વિસ્‍તારોમાં વધુ અનુભવાયા હતા. વહેલી સવારે ધરતી કંપતાં જ અનેક લોકો સાવચેતીરૂપે પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. હાલ સુધીમાં ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્‍યા નથી. વહીવટી તંત્ર દ્વારા પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

જમ્‍મુ અને કાશ્‍મીરમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. અનેક વિસ્‍તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે વહેલી સવારે ઘરોમાંથી બહાર નીકળેલા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.

છેલ્‍લા કેટલાક દિવસોમાં દેશ અને પડોશી દેશોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. એક દિવસ પહેલા બાંગ્‍લાદેશમાં રિક્‍ટર સ્‍કેલ પર ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. જેનું કેન્‍દ્રબિદુ જમીનથી ૨૦ કિલોમીટર ઊંડાઈએ હતું. આ ઉપરાંત ગયા અઠવાડિયે ફિલિપાઇન્‍સના મિડાનાઓ ટાપુ પર ૬.૦ની તીવ્રતાનો શક્‍તિશાળી ભૂકંપ નોંધાયો હતો. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર ભૂકંપ સંવેદનશીલ વિસ્‍તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

 

(10:10 AM IST)