<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ભારતીય સેનામાં ભૈરવ બટાલિયનનો ઉમેરો

 

નવી દિલ્‍હીઃ ભારતીય સેનાએ પોતાની યુદ્ધ રણનીતિમાં મોટો ફેરફાર કરતા 'ભૈરવ' યુનિટ નામની નવી લાઈટ કમાન્‍ડો કોમ્‍બેટ ફોર્સ તૈયાર કરી છે, જેનું હાલમાં જ કોલકાતા ખાતે ઈસ્‍ટર્ન કમાન્‍ડ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હીમાં શીખ લાઈટ ઈન્‍ફન્‍ટ્રી રેજિમેન્‍ટ હેઠળ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. કોલકાતાના રેડ રોડ પર શિયાળાના તડકામાં જ્‍યારે આ જવાનો પરંપરાગત પરેડના ડ્રેસને બદલે ઓપરેશનલ બેટલ ગિયરમાં સજ્જ થઈને નીકળ્‍યા, ત્‍યારે તે દુશ્‍મનો માટે ચેતવણી સમાન દ્રશ્‍ય હતું. આ ટુકડીઓ 'ફેઝ્‍ડ બેટલ એરે ફોર્મેશન'માં કૂચ કરતી જોવા મળી હતી, જે વાસ્‍તવિક યુદ્ધના મેદાન જેવી જ વ્‍યૂહરચના દર્શાવે છે.

આ નવી ટુકડીની રચના પાછળનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારતીય સેનામાં રહેલી ટેક્‍ટિકલ ગેપ (વ્‍યૂહાત્‍મક ખાલી જગ્‍યા) પૂરવાનો છે. અત્‍યાર સુધી સેના પાસે જમીન પર કબ્‍જો જમાવવા માટે મોટી ઈન્‍ફન્‍ટ્રી બટાલિયન હતી અને ગુપ્ત મિશન માટે એલિટ પેરા સ્‍પેશિયલ ફોર્સ હતી. પરંતુ સરહદ પરના તણાવ અને બદલાતા યુદ્ધના પ્રકારોને જોતા એક એવી મધ્‍યમ કક્ષાની ફોર્સની જરૂર હતી જે ઝડપથી પ્રતિક્રિયા આપી શકે. ભૈરવ યુનિટ્‍સ બરાબર આ જ કામ કરશે. દરેક ફોર્મેશનમાં આશરે ૨૫૦ અત્‍યંત પ્રશિક્ષિત સૈનિકોનો સમાવેશ થાય છે.

આ ટુકડીઓ મુશ્‍કેલ ભૌગોલિક પરિસ્‍થિતિઓમાં પણ ઝડપથી તૈનાત થઈ શકે છે અને દુશ્‍મનોના હુમલાનો જવાબ કલાકોમાં જ આપવા માટે સક્ષમ છે. તેમને ફાઈટ ટુનાઈટ (આજે જ લડવા તૈયાર)ના સૂત્ર સાથે તૈયાર કરવામાં આવ્‍યા છે.

ભગવાન શિવના રૌદ્ર સ્‍વરૂપ ભૈરવના નામ પરથી આ યુનિટનું નામકરણ કરવામાં આવ્‍યું છે, જે નિયંત્રિત આક્રમકતા અને સંત સિપાહીના સિદ્ધાંતને રજૂ કરે છે. આ યુનિટની સૌથી મોટી વિશેષતા સન્‍સ ઓફ ધ સોઈલ (ધરતીના પુત્રો) કોન્‍સેપ્‍ટ છે, જે મુજબ સ્‍થાનિક યુવાનોની ભરતી કરવામાં આવે છે જેથી તેમને સ્‍થાનિક ભૌગોલિક પરિસ્‍થિતિનું પૂરું જ્ઞાન હોય. આધુનિક યુદ્ધને ધ્‍યાનમાં રાખીને દરેક યુનિટમાં ડ્રોન ઓપરેટર્સ, સિગ્નલ એક્‍સપર્ટ્‍સ, એર ડિફેન્‍સના જવાનો અને સ્‍ટ્રાઈક આર્ટિલરી નિષ્‍ણાતોને પણ સામેલ કરવામાં આવ્‍યા છે. આ એક જ કોમ્‍પેક્‍ટ ફોર્સમાં સર્વેલન્‍સ, કોમ્‍યુનિકેશન અને સ્‍ટ્રાઈક પાવરનું અદભૂત સંયોજન જોવા મળશે, જે ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરશે

(1:46 PM IST)