News of Monday, 2nd February 2026
મણિપુરમાં રાજકીય ગરમાવો: નવી સરકાર રચવા એન.ડી.એ. ના તમામ ધારાસભ્યો દિલ્હીમાં: 'મૈતેઈ મુખ્યમંત્રી અને ૨ કૂકી-નાગા ડેપ્યુટી સીએમ'ની ફોર્મ્યુલા? ન્યૂઝ ફર્સ્ટ

નવી દિલ્હી/ઈમ્ફાલ: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો અંત લાવવા એન.ડી.એ.ના તમામ ધારાસભ્યોને આજે દિલ્હી બોલાવાયા.
* જો વાટાઘાટો સફળ રહે તો ૪ ફેબ્રુઆરીના રોજ નવી સરકાર શપથ લઈ શકે છે.
* સામાજિક સમીકરણ સાધવા માટે ૧ મુખ્યમંત્રી (મૈતેઈ) અને ૨ નાયબ મુખ્યમંત્રી (કૂકી અને નાગા) ની ફોર્મ્યુલા ચર્ચાઈ રહી છે.
* ૧૩ ફેબ્રુઆરી પહેલાં સરકાર રચવી અનિવાર્ય, અન્યથા વિધાનસભા ભંગ થવાની નોબત આવશે.
સંસદમાં બજેટ સત્રની વ્યસ્તતા બાદ હવે કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ધ્યાન પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં સ્થિરતા લાવવા પર કેન્દ્રિત થયું છે. મણિપુરમાં નવી સરકારની રચના માટેની કવાયત તેજ બની છે અને તેના ભાગરૂપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ.) ના તમામ ધારાસભ્યોને તાત્કાલિક અસરથી દિલ્હીનું તેડું મોકલવામાં આવ્યું છે. આ બેઠકમાં સરકાર રચવા અંગેની આખરી રૂપરેખા નક્કી કરવામાં આવશે.
દિલ્હીના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં વ્યાપેલી વંશીય અશાંતિને ઠારવા માટે ભાજપ હાઈકમાન્ડે એક વિશેષ 'સત્તા સંતુલન' (પાવર શેરિંગ) ફોર્મ્યુલા તૈયાર કરી છે. આ ફોર્મ્યુલા અનુસાર, રાજ્યનું સુકાન એટલે કે મુખ્યમંત્રી પદ બહુમતી ધરાવતા 'મૈતેઈ' સમુદાયના નેતાને સોંપવામાં આવી શકે છે. જ્યારે અન્ય બે મુખ્ય સમુદાયોનો વિશ્વાસ જીતવા અને સંતુલન જાળવવા માટે બે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સી.એમ.) બનાવવામાં આવશે, જેમાં એક 'કૂકી' સમુદાયના અને બીજા 'નાગા' સમુદાયના પ્રતિનિધિ હશે.
જો આ બેઠકમાં આ ફોર્મ્યુલા પર તમામ પક્ષો અને ધારાસભ્યોની સહમતિ સધાઈ જશે, તો આગામી ૪ ફેબ્રુઆરીના રોજ નવી સરકારની શપથવિધિ યોજાવાની પ્રબળ શક્યતાઓ છે.
આ પ્રક્રિયામાં ઉતાવળ પાછળનું એક મુખ્ય કારણ બંધારણીય મર્યાદા પણ છે. ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ગત વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ આ શાસનનો બરાબર એક વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે. નિયમો અનુસાર, જો આ તારીખ પહેલાં ચૂંટાયેલી સરકાર સત્તા સંભાળતી નથી, તો હાલની વિધાનસભાનું વિસર્જન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
જેથી વિધાનસભા બચાવવા અને લોકશાહી ઢબે વહીવટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર ૧૩ તારીખ પહેલાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે.
દિલ્હીમાં અમિતભાઈ શાહ અને જે.પી. નડ્ડા સહિતના ટોચના નેતાઓ ધારાસભ્યો સાથે વન-ટુ-વન ચર્ચા કરે તેવી પણ વકી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
