<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બુલિયન માર્કેટમાં કડાકાનો દોર યથાવતઃ હાજરમાં ચાંદીમાં ૧૬,૦૦૦ -સોનામાં ૪,૦૦૦ રૂા. તૂટયા

ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૨,૫૦,૦૦૦ રૂા. અને સોનાના ભાવ ૧,૪૮,૦૦૦ રૂા. થયા : છેલ્લા ૨૪ કલાકમાં ચાંદીમાં ૪૫,૦૦૦ રૂા. અને સોનામાં ૧૫,૦૦૦ રૂા.નું ગાબડુ

રાજકોટ તા.૨: બુલિયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીનો પરપોટો ફુટી ગયા બાદ કડાકાનો દોર યથાવત રહયો છે. નવા સપ્તાહના પ્રારંભે ચાંદીમાં વધુ ૧૬,૦૦૦ રૂા. અને સોનામાં ૪,૦૦૦ રૂા. તૂટયા છે.

બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં બજારો ખુલતાની સાથે ચાંદીમાં વધુ ૧૬,૦૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૬૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૨,૫૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલે ચાંદીમાં ૨૯,૦૦૦ રૂા.નું ગાબડુ પડયા બાદ આજે વધુ ૧૬,૦૦૦ રૂા.નું ગાબડુ પડયુ હતું. છેલ્લા ૨૪ કલાકમાં ચાંદીમાં ૪૫,૦૦૦ રૂા.નો જબરો ભાવ ઘટાડો થયો છે.

ચાંદીની સાથે સોનાના ભાવ પણ કડડભૂસ થઇ ગયા છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીના પગલે સ્‍થાનીક બજારમાં સોનાનો વધુ ૪,૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૫૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૪૮,૦૦૦ થઇ ગયા છે. સોનાના બીસ્‍કીટમાં ૪૦,૦૦૦ રૂા.નું ગાબડુ પડયું છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૫,૨૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૪,૮૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલે સોનામાં ૧૧,૦૦૦ રૂા. ઘટયા બાદ આજે વધુ ૪,૦૦૦ રૂા. ઘટતા છેલ્લા ૨૪ કલાકમાં સોનામાં ૧૫,૦૦૦ રૂા. નીકળી ગયા છે.

સોના-ચાંદીના ભાવમાં એકાએક ગાબડા પડતા ઇન્‍વેસ્‍ટરો સ્‍તબ્‍ધ થઇ ગયા છે.

(1:27 PM IST)