<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પાકિસ્તાનમાં ચીનને જોરદાર ફટકો: બલૂચિસ્તાનમાં આતંકી હુમલા બાદ ગ્વાદર પ્રોજેક્ટ પર લાગી બ્રેક

સુરક્ષાના કારણોસર ચીની નાગરિકોનું 'એરલિફ્ટ'; તમામ ગ્રાઉન્ડ ઓપરેશન્સ સ્થગિત કરાયા

 
ઇસ્લામાબાદ, તા. 02: પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ગ્વાદર બંદર પર ચીને પોતાનું તમામ કામકાજ અચાનક બંધ કરી દીધું છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ આતંકી હુમલાઓ અને સુરક્ષામાં મોટી ખામીઓ સર્જાતા, ચીને ગ્વાદરમાં તૈનાત તેના તમામ ગ્રાઉન્ડ સ્ટાફ અને એન્જિનિયરોને ખાસ ફ્લાઇટ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે.
CNN-News18 ના એક્સક્લુઝિવ રિપોર્ટ મુજબ, ચીની નાગરિકો હવે ગ્વાદરમાં ભૌતિક રીતે હાજર રહેશે નહીં. જોકે, ચીને સ્પષ્ટ કર્યું છે કે આ કાયમી પીછેહઠ નથી, પરંતુ સુરક્ષાની ગંભીર સમીક્ષા માટે લેવામાં આવેલું સાવચેતીનું પગલું છે. હાલમાં ચીની ભંડોળથી ચાલતા પ્રોજેક્ટ્સનું પાયાનું કામ પાકિસ્તાની સહાયક સ્ટાફ દ્વારા ચલાવવામાં આવશે, જ્યારે ચીની નિષ્ણાતો દૂર બેસીને ટેકનિકલ માર્ગદર્શન આપશે.
શા માટે ચીને લેવો પડ્યો આ નિર્ણય?
•    સંકલિત હુમલા: તાજેતરમાં BLA એ 'ઓપરેશન હેરોફ 2.0' હેઠળ રસ્તાઓ, રેલવે અને સુરક્ષા ચોકીઓ પર ભયાનક હુમલા કર્યા હતા.
•    ચીની નાગરિકો પર જોખમ: CPEC (ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર) હેઠળ કામ કરતા વિદેશી કામદારોની સુરક્ષા પર સતત ખતરો મંડરાઈ રહ્યો છે.
•    પાકિસ્તાની સુરક્ષામાં ખામી: હુમલાઓમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત બાદ ચીનનો પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થા પરથી ભરોસો ડગી ગયો હોય તેમ જણાય છે.
ગ્વાદર એ ચીનની 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI) નો મુખ્ય હિસ્સો છે. આ પ્રોજેક્ટ અટકી જવો એ પાકિસ્તાન માટે આર્થિક અને રાજદ્વારી સ્તરે મોટો આંચકો માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન સરકાર ચીની રોકાણકારોને ફરીથી સુરક્ષાનો વિશ્વાસ અપાવવામાં કેટલી સફળ રહે છે.

(3:32 PM IST)