<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો 'એક્ઝિટ' મોડ: ઓગસ્ટ પછીનો સૌથી મોટો આંકડો

FPIs એ રૂ. 35,962 કરોડ પાછા ખેંચ્યા; સતત વેચાણથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ

 
અમદાવાદ, તા. 02: ભારતીય શેરબજાર માટે વર્ષની શરૂઆત થોડી નરમ સાબિત થઈ રહી છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય બજારમાંથી નાણાં પરત ખેંચવાની તેમની પ્રક્રિયા ચાલુ રાખી છે. તાજેતરના આંકડાઓ મુજબ, આ વર્ષના શરૂઆતના ગાળામાં જ વિદેશી રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાંથી અધધ 35,962 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિના પછીનો આ સૌથી મોટો માસિક વેચાણનો આંકડો છે, જે બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી રહ્યો છે.
માત્ર શેરબજાર જ નહીં, પણ દેવા બજાર (Debt Market) માં પણ ઘટાડો જોવા મળ્યો છે. ડિપોઝિટરીઝના ડેટા સૂચવે છે કે FPIs એ ભારતીય ડેટ સેગમેન્ટમાંથી પણ આશરે 7,308 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે વિદેશી રોકાણકારો અત્યારે ભારતીય બજારમાં નવી મૂડી રોકવાને બદલે નફો બુક કરવામાં અથવા સલામત રોકાણ તરફ વળવામાં વધુ રસ ધરાવી રહ્યા છે.
જો છેલ્લા કેટલાક મહિનાઓના ગ્રાફ પર નજર કરીએ તો, ગયા વર્ષે નવેમ્બરમાં 3,765 કરોડ અને ડિસેમ્બરમાં 22,611 કરોડ રૂપિયાનો ઉપાડ થયો હતો. વચ્ચે ઓક્ટોબર મહિનામાં 14,610 કરોડનું રોકાણ કરીને FPIs એ થોડી આશા જગાડી હતી, પરંતુ તે ક્ષણિક સાબિત થઈ. હાલના સતત વેચાણના દોરને કારણે સ્થાનિક રોકાણકારો હવે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

(3:39 PM IST)