હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો દાવો: સોનમ વાંગચુક લદ્દાખને ‘બાંગ્લાદેશ કે નેપાળ’ બનાવવા માંગે છે - કેન્દ્ર સરકાર
NSA હેઠળ કાર્યકર્તાની અટકાયતનો બચાવ કરતા સોલિસિટર જનરલની ધારદાર દલીલો; લદ્દાખની સંવેદનશીલ સરહદે હિંસા ભડકાવવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. 02: સુપ્રીમ કોર્ટમાં આજે લદ્દાખના જાણીતા આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયતને લઈને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ વાંગચુકની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સોનમ વાંગચુક લદ્દાખમાં બાંગ્લાદેશ કે નેપાળ જેવી અરાજકતા ફેલાવવા માંગે છે.
ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેની બેન્ચ સમક્ષ કેન્દ્રએ દલીલ કરી હતી કે વાંગચુક યુવા પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહેતાએ કહ્યું કે, "વાંગચુક એવું કહી રહ્યા છે કે જો મને જેલમાં મોકલવામાં આવશે, તો લદ્દાખમાં પણ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી હિંસક ક્રાંતિ થશે. આ એક અત્યંત સંવેદનશીલ સરહદી વિસ્તાર છે અને ત્યાં આવી ઉશ્કેરણીજનક વાતો દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે."
કેમ લાગ્યો NSA?
- હિંસક પ્રદર્શનો: સપ્ટેમ્બર 2025 માં લદ્દાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા. જેમાં 4 લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા.
- સરકારનો આરોપ: કેન્દ્રનો દાવો છે કે વાંગચુકે જાણી જોઈને હિંસા ભડકાવી હતી અને તેઓ લદ્દાખમાં સશસ્ત્ર દળોની હાજરી સામે યુવાનોમાં ગુસ્સો ભરી રહ્યા છે.
- જોધપુર જેલમાં સ્થાનાંતર: વાંગચુકને 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ અટકાયતમાં લેવાયા બાદ સુરક્ષાના કારણોસર રાજસ્થાનની જોધપુર જેલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ, વાંગચુકના સમર્થકો આ અટકાયતને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. સરકારની દલીલો બાદ હવે આ મામલે મંગળવારે બપોરે 2 વાગ્યે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે. શું અદાલત વાંગચુકને જામીન આપશે કે પછી રાષ્ટ્રીય સુરક્ષાના આધારે તેમની અટકાયત યથાવત રહેશે, તેના પર આખા દેશની નજર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
