News of Monday, 2nd February 2026
ક્રિકેટમાં રાજનીતિનો ‘હાઈ-વોલ્ટેજ’ ડ્રામા: પાકિસ્તાનના બહિષ્કાર પર શશી થરૂરે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- ‘આ ખૂબ જ શરમજનક છે’
બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાનની ભારત સામે ન રમવાની જીદ; વિપક્ષી નેતાઓએ વિદેશ નીતિ અને આતંકવાદના મુદ્દે સરકારને ઘેરી

નવી દિલ્હી, તા. 02: ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી20 વર્લ્ડ કપ 2026 ના મુકાબલા પર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના નિર્ણયને થરૂરે "શરમજનક" ગણાવ્યો છે અને રમતગમતના થઈ રહેલા રાજકીયકરણ સામે લાલ આંખ કરી છે.
થરૂરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રમતગમત લોકોને જોડવાનું માધ્યમ હોવું જોઈએ, નહીં કે રાજકારણનું મેદાન. તેમણે બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાન અને IPL વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બાંગ્લાદેશની પ્રતિક્રિયા અતિશય હતી અને પાકિસ્તાન તેની સાથે ખોટી એકતા બતાવીને મામલાને વધુ બગાડી રહ્યું છે. થરૂરે ICC ને આ 'બકવાસ' બંધ કરાવવા માટે કટોકટીના ધોરણે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે.
વિપક્ષી નેતાઓના આકરા પ્રહાર:
માત્ર શશી થરૂર જ નહીં, અન્ય વિપક્ષી નેતાઓએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે:
- સપા સાંસદ રાજીવ રાય: તેમણે કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતે જ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કરી દેવો જોઈતો હતો. સરકારની વિદેશ નીતિ 'એક ડગલું આગળ અને બે ડગલાં પાછળ' જેવી છે.
- ઉજ્જવલ રમણ સિંહ: કોંગ્રેસના અન્ય એક સાંસદે 2025 ના પહેલગામ આતંકવાદી હુમલાની યાદ અપાવતા કહ્યું કે, ભારતે આ મુદ્દો વૈશ્વિક સ્તરે ઉઠાવવો જોઈતો હતો. તેમણે ICC ની લાચારી પર પણ સવાલ ઉઠાવ્યા છે.
શું છે વિવાદનું મૂળ?
પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ યોજાનારી મેચમાં ભારત સામે "ફિલ્ડમાં નહીં ઉતરવાનો" નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાના ICC ના નિર્ણય સામેનો વિરોધ હોવાનું મનાય છે. ICC એ સ્પષ્ટ કર્યું છે કે 'પસંદગીયુક્ત ભાગીદારી' વૈશ્વિક રમતોના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જો પાકિસ્તાન તેની જીદ નહીં છોડે, તો સ્કોટલેન્ડ જેવી ટીમોને સ્થાન મળી શકે છે અને પાકિસ્તાન પર કડક પ્રતિબંધો આવી શકે છે.
જ્યારે ભારત હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી 4-1 થી જીતી ચૂક્યું છે, ત્યારે પાકિસ્તાનનો આ પીછેહઠનો નિર્ણય ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
