<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

શેરબજારમાં 'સુપર મન્ડે': બજેટનો ઝટકો પચાવી સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 25,000 ને પાર

રોકાણકારોએ નીચા ભાવે કરી ચોકલેટી ખરીદી; ઓઈલ, ગેસ અને બેંકિંગ શેરોમાં તેજીની લહેરથી માર્કેટમાં ફરી રોનક

મુંબઈ:  રવિવારે બજેટના દિવસે જોવાયેલો ભયાનક કડાકો સોમવારે 'મૂલ્ય ખરીદી' (Value Buying) માં ફેરવાઈ ગયો હતો. ભારતીય શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને 1% થી વધુના ઉછાળા સાથે બંધ થયા. બજેટમાં STT વધારાના સમાચારથી ગભરાયેલા રોકાણકારો હવે ભારતના મજબૂત આર્થિક પાયા અને લાંબા ગાળાના વિકાસના વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય તેવું જણાય છે.

BSE સેન્સેક્સ આજે 943 પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે 81,666 પર બંધ રહ્યો, જ્યારે NSE નિફ્ટી 263 પોઈન્ટ વધીને 25,088 ની સપાટી પર સ્થિર થયો હતો. બજેટના દિવસે સેન્સેક્સમાં જે 1,550 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું, તેનો મોટો હિસ્સો આજે એક જ દિવસમાં ભરાઈ ગયો છે.

તેજીના મુખ્ય કારણો:

  • દિગ્ગજ શેરોમાં ખરીદી: પાવર ગ્રીડના શેરમાં 7% થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેંક જેવા બ્લૂ-ચિપ શેરોમાં રોકાણકારોએ નીચા ભાવે મોટાપાયે ખરીદી કરી હતી.
  • ક્રૂડ ઓઈલનો કડાકો: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 5% ઘટીને 66 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચતા ભારતીય અર્થતંત્ર માટે તે સંજીવની સમાન સાબિત થયું છે.
  • બજેટનો સકારાત્મક સંદેશ: બજારના નિષ્ણાતો માને છે કે STT વધારો એ માત્ર ટૂંકા ગાળાનો આંચકો હતો, પરંતુ બજેટમાં ઉત્પાદન (Manufacturing), કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે જોગવાઈઓ છે તે લાંબા ગાળે ફાયદાકારક છે.

સાવચેતી હજુ પણ જરૂરી

જોકે બજારમાં રિકવરી આવી છે, પરંતુ આઈટી ક્ષેત્રના શેરો જેવા કે ઇન્ફોસિસ અને TCS આજે લાલ નિશાનમાં બંધ થયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની સતત વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં આગામી દિવસોમાં પણ વધ-ઘટ (Volatility) જોવા મળી શકે છે. નિષ્ણાતો રોકાણકારોને ઉતાવળમાં મોટું રોકાણ કરવાને બદલે સાવચેતીપૂર્વક આગળ વધવાની સલાહ આપી રહ્યા છે.

(5:40 PM IST)