News of Monday, 2nd February 2026
મમતા બેનર્જીનો ચૂંટણી પંચ પર ગંભીર પ્રહાર: "CEC જેટલા ઘમંડી અને કપટી મેં ક્યારેય જોયા નથી"
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈને દિલ્હીમાં રાજકીય ગરમાવો : મુખ્યમંત્રીએ ૧૫ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુલાકાત લીધી અને તેને "ભાજપનો આઈટી સેલ" ગણાવ્યો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા તેને "ભાજપનો આઈટી સેલ" તરીકે ઓળખાવ્યું હતું. મમતા બેનર્જીએ અત્યંત રોષ સાથે જણાવ્યું કે, તેમના લાંબા રાજકીય જીવનમાં તેમણે આટલા "ઘમંડી અને કપટી" ચૂંટણી કમિશનર ક્યારેય જોયા નથી. મુલાકાત દરમિયાન તેમણે કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું તમારા પદનો આદર કરું છું, પણ યાદ રાખજો કે કોઈ પણ પદ કાયમી હોતું નથી, એક દિવસ તમારે પણ જવું પડશે." તેમણે આરોપ લગાવ્યો કે બંગાળને ખાસ નિશાન બનાવીને લોકશાહીના ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયાને ડરના વાતાવરણમાં ફેરવી દેવામાં આવી છે.
TMCના ૧૫ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળમાં અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી સહિત એવા ૧૨ પરિવારોના સભ્યો પણ સામેલ હતા જેઓ 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાથી સીધા પ્રભાવિત થયા છે. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે આ પ્રક્રિયામાં ૫૮ લાખથી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જેમાં ઘણા જીવતા લોકોને 'મૃત' જાહેર કરી દેવાયા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે SIR પ્રક્રિયાના માનસિક તણાવ અને કામના ભારણને કારણે અત્યાર સુધીમાં ૧૪૦થી ૧૫૦ લોકોના મોત થયા છે, જેમાં કામ કરી રહેલા BLO (બૂથ લેવલ ઓફિસર)નો પણ સમાવેશ થાય છે. તેમણે પૂછ્યું કે બંગાળના ગરીબ અને લઘુમતી સમુદાયોને જ કેમ લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે અને તેમને પોતાનો પક્ષ રાખવાની તક કેમ નથી આપવામાં આવતી?
આ સમગ્ર વિવાદ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. મમતા બેનર્જીએ આ પક્ષપાતી અને મનસ્વી પ્રક્રિયા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે, જેમાં ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ દિલ્હી પોલીસ પર પણ બંગાળી પ્રતિનિધિઓ પર દેખરેખ રાખવાનો અને દબાણ લાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આ અન્યાય સામે છેક સુધી લડશે અને ૨૦૨૬ની ચૂંટણી પહેલા મતદારોના અધિકારોને છીનવી લેવાનું આ કાવતરું સફળ થવા દેશે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
