ફ્લાઈટમાં હોબાળો : નશામાં ધૂત મુસાફરે ફ્લાઈટમાં કપડાં ઉતારી 'નગ્ન' અવસ્થામાં દોડધામ મચાવી: વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
વિયેતનામથી બેંગકોક જતી એરએશિયાની ફ્લાઈટમાં રશિયન પ્રવાસીએ કેબિન ક્રૂ સાથે કરી દલીલ: વિમાનનો દરવાજો ખોલી કૂદી જવાની ધમકી આપતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અંતે એરપોર્ટ પર પોલીસે શખ્સની ધરપકડ કરી

બેંગકોક: આભમાં ઉડતી ફ્લાઈટમાં જ્યારે મુસાફરો શાંતિથી મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે એક રશિયન પ્રવાસીએ આખી ફ્લાઈટને બાનમાં લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વિયેતનામના નહા ત્રાંગથી બેંગકોક જઈ રહેલી એરએશિયાની ફ્લાઈટમાં ટેક-ઓફની ગણતરીની મિનિટોમાં જ એક મુસાફરે નશાની હાલતમાં વિચિત્ર વર્તન શરૂ કર્યું હતું. જોતજોતામાં આ વ્યક્તિએ પોતાના તમામ કપડાં ઉતારી દીધા અને માત્ર અન્ડરવેર પહેરીને કેબિનમાં આમ-તેમ દોડવા લાગ્યો હતો. તેની આ હરકત જોઈને ફ્લાઈટમાં સવાર અન્ય પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને મહિલા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. કેબિન ક્રૂએ તેને શાંત પાડવા પ્રયાસ કર્યો, પરંતુ તે સતત આક્રમક બનીને દલીલો કરવા લાગ્યો હતો.
આ ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે આ નશાખોર મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવાનો આગ્રહ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો કે, "દરવાજો ખોલો, શું તમે ઈચ્છો છો કે આપણે બધા મરી જઈએ? મારે અહીંથી કૂદી જવું છે." વિમાન મધ્ય આકાશમાં હોય ત્યારે દરવાજો ખોલવાની ધમકીએ પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી હતી. જ્યારે તે શખ્સે શૌચાલયમાં જઈને વારંવાર હંગામો ચાલુ રાખ્યો અને મુસાફરો સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યો, ત્યારે સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક ધોરણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લીધો હતો.
બેંગકોકના એરપોર્ટ પર વિમાન જેવું ઉતર્યું કે તરત જ આ શખ્સ પરવાનગી વગર બહાર દોડવા જતા ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, રનવે પર હાજર થાઈ પોલીસે તેની સમયસૂચકતા વાપરીને ધરપકડ કરી લીધી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ ભારે નશામાં હતો, પરંતુ પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું તેની માનસિક સ્થિતિ અસ્થિર હતી કે તેણે કોઈ પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. આ હંગામાને કારણે ફ્લાઈટમાં સવાર સેંકડો મુસાફરોને કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું અને એરલાઈન હવે આ મુસાફરને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવાની તૈયારી કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
