<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

એપ્સ્ટીન ફાઇલોની જબરી અસર: અમેરિકન અબજોપતિની ભારત મુલાકાત રદ: દિલ્હીમાં ઉચ્ચ નેતૃત્વ સાથેની બેઠકો કેન્સલ: ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી/વોશિંગ્ટન: કુખ્યાત જેફરી એપ્સ્ટીનની જાહેર થયેલી વધુ સીલબંધ ફાઇલોએ હવે ભારત સુધી પણ તેની અસર બતાવવાની શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, એક જાણીતા અમેરિકન અબજોપતિ અને ફિલાન્થ્રોપિસ્ટ (સમાજસેવક) એ તેમની આગામી ભારત મુલાકાત તાત્કાલિક અસરથી રદ કરી છે. આ અબજોપતિ આ મહિનાના અંતમાં દિલ્હી આવવાના હતા, જ્યાં તેઓ ટોચના નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવાના હતા, પરંતુ એપ્સ્ટીન કેસના દસ્તાવેજોમાં તેમનું નામ વારંવાર ઉછળતા તેઓએ આ પ્રવાસ ટાળવાનો નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં યુ.એસ. કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી હજારો દસ્તાવેજોની નવી બેચમાં ગ્લોબલ એલિટ ગણાતા અનેક દિગ્ગજોના નામ સામે આવ્યા છે. આ યાદીમાં ઉક્ત અમેરિકન ઉદ્યોગપતિનું નામ પણ કથિત રીતે સામેલ હોવાથી તેમની શાખ પર સવાલો ઉભા થયા છે. 

વિવાદ વકરે નહીં અને કાયદાકીય ગૂંચવણોથી બચી શકાય તે હેતુથી દિલ્હીમાં યોજાનારી હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ અને રાજકીય નેતાઓ સાથેની મુલાકાતો પડતી મૂકવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૬ના અંતમાં જાહેર થયેલી આ ફાઇલોમાં ટેક જગતના મહારથીઓથી લઈને રાજદ્વારીઓના નામો ખુલતા વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે. ભારતીય વિદેશ મંત્રાલયે અગાઉ એપ્સ્ટીન ફાઇલોમાં ભારતીય સંદર્ભોને પાયાવિહોણા ગણાવ્યા હતા, પરંતુ હવે પ્રત્યક્ષ રીતે એક મોટા ગજાના અબજોપતિનો પ્રવાસ રદ થતા કોર્પોરેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું તોફાન સર્જાયું છે.

 

(6:46 PM IST)