હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે વિદેશમાં પણ ચાલશે તમારું UPI! Alipay+ સાથે જોડાણ માટે ભારત સરકારની મોટી તૈયારી
દુનિયાભરના 150 મિલિયન વેપારીઓને UPI થી પેમેન્ટ કરી શકશે ભારતીયો; ચીન સાથેના સંબંધોમાં સુધારાના સંકેત વચ્ચે 'ડિજિટલ ક્રાંતિ'

નવી દિલ્હી: ભારતીય પ્રવાસીઓ માટે હવે વિદેશ પ્રવાસ દરમિયાન કરન્સી એક્સચેન્જની ઝંઝટ કાયમ માટે ખતમ થઈ શકે છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક (RBI) અત્યારે દુનિયાના જાણીતા પેમેન્ટ પ્લેટફોર્મ Alipay+ સાથે UPI ને સાંકળવા માટે મંત્રણા કરી રહ્યા છે. જો આ વાટાઘાટો સફળ રહેશે, તો ભારતીય પ્રવાસીઓ એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વના 100 થી વધુ દેશોમાં માત્ર QR કોડ સ્કેન કરીને સીધું ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરી શકશે.
Alipay+ એ સિંગાપોર સ્થિત એન્ટ ઇન્ટરનેશનલની કંપની છે, જેની સ્થાપના ચીનના દિગ્ગજ એન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં આ પ્લેટફોર્મ વિશ્વભરમાં 1.8 અબજ વપરાશકર્તાઓ અને 15 કરોડથી વધુ વેપારીઓ સાથે જોડાયેલું છે. ભારતનું UPI પહેલેથી જ દેશમાં દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન સાથે મજબૂત છે, હવે તેનો ડંકો વૈશ્વિક સ્તરે વાગવા જઈ રહ્યો છે.
સુરક્ષા અને ભૌગોલિક રાજનીતિ
જોકે, આ જોડાણ જેટલું આકર્ષક છે એટલું જ સંવેદનશીલ પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, Alipay ના મૂળ ચીન સાથે જોડાયેલા હોવાથી ભારત સરકાર ડેટા સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાના પાસાઓની કડક તપાસ કરી રહી છે. 2020 ના સરહદી વિવાદ પછી ચીની રોકાણ પર ભારતની બાજ નજર છે, પરંતુ તાજેતરમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નરમાશ જોવા મળી રહી છે.
પ્રવાસીઓને શું ફાયદો થશે?
- સરળ વ્યવહાર: વિદેશમાં ફિઝિકલ કેશ કે મોંઘા ફોરેક્સ કાર્ડ રાખવાની જરૂર નહીં પડે.
- ઓછો ખર્ચ: ક્રોસ-બોર્ડર પેમેન્ટમાં લાગતા વધારાના ચાર્જ અને કરન્સી કન્વર્ઝન ફીમાં મોટો ઘટાડો થશે.
- વૈશ્વિક પહોંચ: એશિયાથી લઈને લેટિન અમેરિકા સુધીના મોટા સ્ટોર્સમાં UPI સ્વીકાર્ય બનશે.
ભારતે તાજેતરમાં જ ચીન માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરી છે અને વિઝા નિયમો પણ હળવા કર્યા છે, ત્યારે આ પેમેન્ટ જોડાણ આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. સુરક્ષા એજન્સીઓની લીલી ઝંડી મળતા જ NPCI આ દિશામાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
