<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

"સત્ય છુપાવવાથી લોકશાહી નહીં બચે": શશિ થરૂરે ચીન મુદ્દે રાહુલ ગાંધીનો પક્ષ લેતા સરકારને આડે હાથ લીધી

જનરલ નરવણેના સંસ્મરણો જ્યારે 'કારવાં' મેગેઝિનમાં પહેલેથી જ ઉપલબ્ધ છે : ત્યારે સંસદમાં રાહુલ ગાંધીનો અવાજ દબાવવો એ સરકારનો ડર દર્શાવે છે: નેહરુ કાળના લોકતાંત્રિક મૂલ્યોને યાદ કરી થરૂરે ચર્ચાની કરી હિમાયત

નવી દિલ્હી:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે ચીન મુદ્દે ચાલી રહેલા સંસદીય સંગ્રામમાં રાહુલ ગાંધીનું મજબૂત સમર્થન કર્યું છે. થરૂરે સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, જ્યારે જે-તે લેખ અને વિગતો જાહેર ક્ષેત્રમાં પહેલેથી જ ઉપલબ્ધ છે, ત્યારે રાહુલ ગાંધીને ગૃહમાં બોલતા અટકાવવા એ તર્કહીન છે. તેમણે ઉમેર્યું કે 'કારવાં' મેગેઝિનમાં જનરલ નરવણેના પુસ્તકના અંશો કોઈ પણ વાંચી શકે છે, તો પછી સંસદમાં આ વિષય પર પ્રતિબંધ કેમ? થરૂરના મતે, સરકારની "ઓવર-રિએક્શન" (વધારે પડતી પ્રતિક્રિયા) એ જ સાબિત કરે છે કે સત્તાધારી પક્ષ આ મુદ્દે ગભરાયેલો છે અને બિનજરૂરી રીતે ગૃહને સ્થગિત કરાવી રહ્યો છે.

થરૂરે ભારતના લોકતાંત્રિક ઈતિહાસના પૃષ્ઠો ફેરવતા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના શાસનકાળની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે ૧૯૬૨ના ચીન યુદ્ધ દરમિયાન પણ સંસદમાં દરરોજ ચર્ચાઓ થતી હતી, જ્યાં શાસક પક્ષના સાંસદો પણ વડાપ્રધાનની ટીકા કરી શકતા હતા. ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધો સમયે પણ સંસદને ક્યારેય અંધારામાં રાખવામાં આવી ન હતી. "આપણી પાસે એવી સરકાર કેમ છે જે ચર્ચાથી ડરે છે?" એવો વેધક સવાલ પૂછતા થરૂરે કહ્યું કે જો રાહુલ ગાંધીની હકીકતો ખોટી હોય, તો સરકારે તેને સુધારવી જોઈએ, નહીં કે તેમનો અવાજ દબાવવો જોઈએ. સંસદ એ સંવાદ માટેનું સ્થળ છે, મૌન ધારણ કરવા માટેનું નહીં.

આ વિવાદના કેન્દ્રમાં રહેલા સેનાના સન્માનના મુદ્દે સ્પષ્ટતા કરતા થરૂરે જણાવ્યું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસે ક્યારેય સૈનિકો કે સેના સામે આક્ષેપ નથી કર્યા. આ સમગ્ર વિવાદ કેન્દ્ર સરકારની રાજકીય દિશાસૂચકતા અને નિર્ણયશક્તિ પર છે. ચીન જે રીતે સરહદ પર સક્રિય છે, તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ સામે ચાલીને દેશને વિશ્વાસમાં લેવો જોઈએ અને બધું જ "છુપાયેલું" રાખવાની વૃત્તિ છોડવી જોઈએ. થરૂરે ચેતવણી આપી હતી કે માહિતી છુપાવવી એ લોકશાહી અને સંસદીય કાર્યપ્રણાલી બંને માટે ખતરનાક સંકેત છે.

(7:24 PM IST)