News of Monday, 2nd February 2026
દલાઈ લામાને પ્રથમ 'ગ્રેમી' મળતા ચીન લાલચોળ : એવોર્ડને ગણાવ્યો રાજકીય હથિયાર
આધ્યાત્મિક ગુરુના આલ્બમ 'મેડિટેશન્સ'ને લોસ એન્જલસમાં મળ્યું વિશ્વનું સર્વોચ્ચ સંગીત સન્માન : બેઇજિંગે નોબેલ શાંતિ વિજેતાને "ધર્મના ઓઠા હેઠળના અલગાવવાદી" ગણાવીને અમેરિકા સામે નોંધાવ્યો સખત વિરોધ

લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં જ્યારે તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાના નામની જાહેરાત થઈ, ત્યારે આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. 90 વર્ષીય દલાઈ લામાએ તેમના પ્રભાવશાળી આલ્બમ 'મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલિનેસ ધ દલાઈ લામા' માટે 'બેસ્ટ ઓડિયો બુક, નેરેટર અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ' કેટેગરીમાં પોતાનો સૌપ્રથમ ગ્રેમી એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ ગૌરવશાળી સિદ્ધિએ પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડ્યું છે, કારણ કે ચીન હંમેશા દલાઈ લામાની વૈશ્વિક સ્વીકૃતિને પોતાના માટે ખતરો માનતું આવ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયે આ એવોર્ડને સખત શબ્દોમાં વખોડી કાઢતા તેને "ચીન વિરોધી પ્રવૃત્તિઓ" ને પ્રોત્સાહન આપતું પગલું ગણાવ્યું છે. બેઇજિંગના પ્રવક્તા લિન જિયાને એક સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો હતો કે દલાઈ લામા કોઈ સામાન્ય ધાર્મિક વ્યક્તિ નથી, પરંતુ એક "રાજકીય નિર્વાસિત" છે જે ધર્મના આડમાં ચીન વિરોધી અલગાવવાદી એજન્ડા ચલાવી રહ્યા છે. ચીને આક્ષેપ કર્યો છે કે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સન્માનનો ઉપયોગ કરીને પશ્ચિમી દેશો ચીનની અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનો તેઓ દરેક સ્તરે વિરોધ કરશે.
નોંધનીય છે કે 1959માં તિબેટ છોડ્યા બાદ ભારતના ધર્મશાલાને પોતાનું નિવાસસ્થાન બનાવનાર દલાઈ લામાને અગાઉ 1989માં નોબેલ શાંતિ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમના અહિંસક સંઘર્ષ અને કરુણાના સંદેશને વિશ્વભરમાં આદર મળે છે, પરંતુ ચીન માટે તેઓ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે. આ એવોર્ડ જીત્યા બાદ દલાઈ લામાના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે રાજદ્વારી સ્તરે આ ઘટના ભારત, ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવી ચર્ચા જગાવી શકે છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
