હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર સુપ્રીમ કોર્ટ એક્શનમાં: ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
ખ્રિસ્તી સંસ્થાની PIL પર સર્વોચ્ચ અદાલતની નોટિસ; 3 ન્યાયાધીશોની બેન્ચ કરશે કાયદાની બંધારણીય માન્યતાની તપાસ

નવી દિલ્હી: ભારતના વિવિધ રાજ્યોમાં અમલી બનેલા 'ધર્માંતરણ વિરોધી કાયદા' (Anti-Conversion Laws) ફરી એકવાર કાનૂની વિવાદના વમળમાં ફસાયા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિત 12 રાજ્યો પાસેથી આ કાયદાઓ અંગે જવાબ માંગ્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચિસ (NCCI) દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) માં આ કાયદાઓની માન્યતાને પડકારવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આ મામલાની ગંભીરતાને જોતા તેને ત્રણ ન્યાયાધીશોની મોટી બેન્ચ સમક્ષ મોકલવાનો આદેશ આપ્યો છે. અદાલતે તમામ પક્ષોને ચાર અઠવાડિયામાં પોતાનું સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે.
અરજદારની મુખ્ય દલીલો:
ખ્રિસ્તી સંસ્થા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ દલીલ કરી હતી કે કેટલાક રાજ્યોના કાયદા એવા છે જે સ્વયંભૂ 'જાગૃતિ જૂથો' (Vigilante Groups) ને ફરિયાદ કરવા માટે ઉશ્કેરે છે. આના કારણે લઘુમતી સમુદાયો સામે ખોટી ફરિયાદોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે આ કાયદાઓના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવાની પણ માંગ કરી હતી.
સરકારનો પક્ષ:
બીજી તરફ, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ દલીલોનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કાયદાઓ અગાઉ સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચના ચુકાદાઓ દ્વારા પહેલેથી જ માન્ય રાખવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે સરકારનો જવાબ તૈયાર છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે.
કયા રાજ્યોને નોટિસ મળી છે?
સુપ્રીમ કોર્ટે જે રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે તેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
અગાઉ 16 સપ્ટેમ્બર, 2025 ના રોજ પણ અદાલતે આ બાબતે રાજ્યોનો પક્ષ માંગ્યો હતો. હવે, તમામ 12 રાજ્યોના જવાબો આવ્યા પછી, સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે આ કાયદાઓના અમલ પર રોક લગાવવી જોઈએ કે નહીં. આ ચુકાદો દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને કાયદાકીય મર્યાદાઓ વચ્ચેના સંતુલન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
