<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બ્રિટિશ રાજવી પરિવારમાં ભૂકંપ: પ્રિન્સ એન્ડ્રુએ પોતાની સગી દીકરીઓના ફોટા સેક્સ અપરાધી જેફરી એપ્સ્ટીનને ‘ઈમેલ’ કર્યા હતા: વધુ એક શરમજનક ઘટસ્ફોટ: શરમજનક સ્થિતિમાં મુકાયેલી પ્રિન્સેસ યુજેનીએ પિતા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા ?

વર્જિનિયા જ્યુફ્રેનું એપ્રિલ ૨૦૨૫ માં શંકાસ્પદ મૃત્યુ: પ્રિન્સ પર યૌન શોષણનો આરોપ લગાવનાર આ પીડિતાએ આત્મહત્યા કરી હોવાનો અહેવાલોમાં દાવો: બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પ્રિન્સ એન્ડ્રુને અરિકન કોંગ્રેસની કમિટી સામે જુબાની આપવા જણાવ્યું એક ફોટામાં પ્રિન્સ એન્ડ્રુ ૫ યુવતીઓના ખોળામાં સુતેલા નજરે પડ્યા: પત્ની સારા ફર્ગ્યુસનનો પણ પીડિતા સાથે વાત કરતો ફોટો વાયરલ: મસાજ ટેબલ અને ૨૦૦ ડોલરની લાલચ: પામ બીચના બંગલામાં સગીરાઓનું શોષણ કેવી રીતે થતું હતું? ભયાનક વિગતો જાહેર

લંડન/વોશિંગ્ટન: બ્રિટનના શાહી પરિવારની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરતા અત્યંત ગંભીર અને બિભત્સ ખુલાસાઓ અમેરિકાના ‘જસ્ટિસ ડિપાર્ટમેન્ટ’ ના નવા દસ્તાવેજોમાં થયા છે. દિવંગત મહારાણીના પુત્ર પ્રિન્સ એન્ડ્રુ અને કુખ્યાત સેક્સ ટ્રાફિકર જેફરી એપ્સ્ટીન વચ્ચેના સંબંધો માત્ર મિત્રતા પૂરતા સીમિત ન હતા, પરંતુ તેમાં હવે એન્ડ્રુની પોતાની દીકરીઓ - પ્રિન્સેસ બીટ્રીસ અને પ્રિન્સેસ યુજેની પણ ઢસડાઈ છે. અમેરિકન મીડિયા અને ‘અંગ્રેજી ભાસ્કર’ ના મોડી રાત્રિના અહેવાલો મુજબ, પ્રિન્સ એન્ડ્રુએ પિતા તરીકેની મર્યાદા ઓળંગીને પોતાની બંને દીકરીઓના અંગત ફોટા ઈમેલ દ્વારા એપ્સ્ટીનને મોકલ્યા હતા.
દીકરીઓના ફોટા એપ્સ્ટીનને કેમ મોકલ્યા?
૩૦ જાન્યુઆરીએ જાહેર થયેલા દસ્તાવેજોમાં ૨૦૧૦ અને ૨૦૧૧ ના ઈમેલ સામે આવ્યા છે. જેમાં પ્રિન્સ એન્ડ્રુએ ‘એચ.આર.એચ. ધ ડ્યુક ઓફ યોર્ક’ના સત્તાવાર આઈડી પરથી એપ્સ્ટીનને અપડેટ્સ આપ્યા હતા.
 * ક્રિસમસ કાર્ડ: ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ ના રોજ મોકલેલા એક ઈમેલમાં બરફમાં ઉભેલી બંને બહેનોનો ફોટો હતો.
 * મોન્ટ બ્લેન્ક અને સાયકલિંગ: ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ મોકલેલા બીજા સેટમાં ફેબ્રુઆરી ૨૦૧૨ માં પ્રિન્સેસ બીટ્રીસ ‘મોન્ટ બ્લેન્ક’ પર્વત પર ચડાઈ કરી રહી હતી તેવો ફોટો અને જૂન ૨૦૧૨ માં લંડનમાં યોજાયેલ ‘નાઈટ રાઈડર’ ચેરિટી સાયકલિંગમાં ભાગ લેતી પ્રિન્સેસ યુજેનીનો ફોટો સામેલ હતો.
   આ ઘટસ્ફોટ બાદ શરમજનક સ્થિતિમાં મુકાયેલી પ્રિન્સેસ યુજેનીએ પિતા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પીડિતા વર્જિનિયા જ્યુફ્રેનું મૃત્યુ?
રિપોર્ટમાં એક અત્યંત ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે પ્રિન્સ એન્ડ્રુ પર ૨૦૦૧ માં (જ્યારે તે ૧૭ વર્ષની હતી ત્યારે) યૌન શોષણનો આરોપ લગાવનાર મુખ્ય પીડિતા વર્જિનિયા જ્યુફ્રેનું એપ્રિલ ૨૦૨૫ માં મૃત્યુ થયું છે. અહેવાલો મુજબ તેણે ૪૧ વર્ષની વયે આત્મહત્યા કરી લીધી હતી.
વર્જિનિયાએ ૨૦૧૧ માં આખું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું અને કહ્યું હતું કે તેને લંડનમાં ગિલેન મેક્સવેલના ઘરે પ્રિન્સ એન્ડ્રુ સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી.
પામ બીચના બંગલાની ભયાનક 'મોડસ ઓપરેન્ડી'
કોર્ટના દસ્તાવેજોમાં એપ્સ્ટીનના નેટવર્કની કાળી સચ્ચાઈ બહાર આવી છે.
 * જ્યારે કોઈ નવી સગીર છોકરી પામ બીચના બંગલે આવતી, ત્યારે તેને પ્રાઈવેટ કારમાં લાવવામાં આવતી.
 * તેને ઉપરના રૂમમાં લઈ જવામાં આવતી જ્યાં ‘શાવર અને મસાજ ટેબલ’ હતું.
 * જો છોકરી પહેલીવાર આવી હોય, તો ત્યાં હાજર બીજી છોકરી તેને શું કરવાનું છે તે સમજાવતી.
 * દરેક શોષણ બાદ છોકરીને ૨૦૦ ડોલર આપવામાં આવતા અને તેને બીજી છોકરીઓ લાવવા માટે દબાણ કરવામાં આવતું. જો તે ફોન ન ઉપાડે તો તેને શોધવામાં આવતી અને ધમકીઓ મળતી.
‘ખોળામાં સુતેલા પ્રિન્સ’ અને ‘ઘૂંટણિયે પડેલા પ્રિન્સ’
પુરાવા તરીકે રજૂ થયેલા ફોટાઓમાં પ્રિન્સ એન્ડ્રુની વિકૃત માનસિકતા છતી થાય છે:
૧) ૭ સ્ત્રીઓ સાથે: એક ફોટામાં પ્રિન્સ એન્ડ્રુ કુલ ૭ મહિલાઓ સાથે છે, જેમાં તેઓ ૫ યુવતીઓના ખોળામાં માથું રાખીને સુતેલા દેખાય છે. આ ફોટામાં એપ્સ્ટીનની ગર્લફ્રેન્ડ ગિલેન મેક્સવેલ પણ છે.
૨) પત્ની પણ સામેલ?: પ્રિન્સની પૂર્વ પત્ની સારા ફર્ગ્યુસનનો પણ એક ફોટો સામે આવ્યો છે જેમાં તે એક પીડિતા (જેનો ચહેરો છુપાવેલો છે) સાથે વાત કરતી નજરે પડે છે.
૩) રશિયન યુવતી સાથે મિટિંગ: ૧૧-૧૨ ઓગસ્ટ ૨૦૧૦ ના ઈમેલ મુજબ, એપ્સ્ટીને ૨૬ વર્ષની રશિયન યુવતી સાથે એન્ડ્રુની મિટિંગ ગોઠવી હતી, જેના જવાબમાં એન્ડ્રુએ ઉત્સાહપૂર્વક હા પાડી હતી. અન્ય એક ફોટામાં તે એક મહિલાના પેટ અને કમર પર હાથ રાખીને ઘૂંટણિયે બેઠેલા દેખાય છે.
બ્રિટિશ પીએમ અને રાજા ચાર્લ્સનું કડક વલણ
આ તમામ પુરાવાઓને પગલે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પ્રિન્સ એન્ડ્રુને અમેરિકન કોંગ્રેસની કમિટી સામે જુબાની આપવા જણાવ્યું છે. બીજી તરફ, કિંગ ચાર્લ્સે ભાઈ પાસેથી ‘પ્રિન્સ’ અને ‘હિઝ રોયલ હાઈનેસ’ ના ખિતાબ છીનવી લીધા છે. હવે તેઓ માત્ર ‘એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર’ (૧૯૬૦ માં નક્કી થયેલી અટક) તરીકે ઓળખાશે અને તેમને આલીશાન ‘રોયલ લોજ’ ખાલી કરવા આદેશ આપી દેવાયો છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો કયો હતો ?
લંડનમાં ૧૦ માર્ચ, ૨૦૦૧ના રોજ લેવામાં આવેલી એક તસવીરે બ્રિટિશ રાજવી પરિવાર અને જેફરી એપસ્ટેઈનના સેક્સ સ્કેન્ડલને વિશ્વભરમાં ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. આ વાયરલ અને વિવાદાસ્પદ તસવીરમાં બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ ૧૭ વર્ષીય વર્જિનિયા જ્યુફ્રેની કમર પર હાથ મૂકેલા જોવા મળે છે, જ્યારે જમણી બાજુએ જેફરી એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ અને સહ-આરોપી ઘિસલેન મેક્સવેલ ઉભેલી દેખાય છે. આ ફોટોગ્રાફ લંડનમાં મેક્સવેલના નિવાસસ્થાને લેવામાં આવ્યો હતો, જે પાછળથી આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો સાબિત થયો હતો.
૧૫ વર્ષની વર્જિનિયા જ્યુફ્રે એપસ્ટેઈનની જાળમાં ફસાઈ: તેને અનેક પ્રભાવશાળી અને ઉચ્ચ પ્રોફાઈલ વ્યક્તિઓ સાથે બળજબરીથી જાતીય સંબંધો બાંધવાની ફરજ પાડવામાં આવેલ
વર્જિનિયા જ્યુફ્રેએ દુનિયા સામે અમેરિકાના આ હાઈ-પ્રોફાઈલ પ્રોસ્ટિટ્યુશન નેટવર્કનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે તે એપસ્ટેઈનની જાળમાં ફસાઈ હતી. તેના જણાવ્યા અનુસાર, તેને અનેક પ્રભાવશાળી અને ઉચ્ચ પ્રોફાઈલ વ્યક્તિઓ સાથે બળજબરીથી જાતીય સંબંધો બાંધવાની ફરજ પાડવામાં આવતી હતી.
વર્જિનિયાએ એક મુલાકાતમાં બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ સાથેના તેના શોષણનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકરણમાં પ્રિન્સ એન્ડ્રુની પૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસનની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તેઓ એક મહિલા સાથે વાત કરતા નજરે પડે છે જેનો ચહેરો છુપાવેલો છે.
એપસ્ટેઈનની મોડસ ઓપરન્ડી (ગુના કરવાની પદ્ધતિ) અત્યંત આયોજનબદ્ધ હતી
અદાલતી દસ્તાવેજો અને મીડિયા અહેવાલો મુજબ, એપસ્ટેઈનની મોડસ ઓપરન્ડી (ગુના કરવાની પદ્ધતિ) અત્યંત આયોજનબદ્ધ હતી. જ્યારે કોઈ સગીર છોકરી એપસ્ટેઈનના પામ બીચ સ્થિત ઘરે આવતી, ત્યારે તેને એપસ્ટેઈનની પ્રાઈવેટ કારમાં લાવવામાં આવતી. ઘર પર પહોંચતા જ આસિસ્ટન્ટ દ્વારા છોકરીની અંગત માહિતી નોંધવામાં આવતી. ત્યારબાદ તેને ઉપરના માળે મસાજ ટેબલ અને શાવર ધરાવતા રૂમમાં લઈ જવામાં આવતી હતી. જો છોકરી પહેલીવાર આવી હોય, તો રૂમમાં પહેલેથી હાજર અન્ય કોઈ પીડિતા તેને શું કરવાનું છે તે સમજાવતી અને ત્યારબાદ એપસ્ટેઈન તે બીજી છોકરીને બહાર મોકલી દેતો.
*એપસ્ટેઈન પીડિતાઓને સ્પષ્ટપણે જણાવતો કે તેને શું જોઈએ છે અને કેવી રીતે જોઈએ છે:  છોકરીઓને એકબીજા સાથે જાતીય સંબંધો બાંધવા માટે પણ મજબૂર કરતો
*એપસ્ટેઈન પીડિતાઓને સ્પષ્ટપણે જણાવતો કે તેને શું જોઈએ છે અને કેવી રીતે જોઈએ છે. તે તેમને નિર્વસ્ત્ર થવાનું કહેતો અને તેમની સાથે અશ્લીલ વર્તન કરતો. ઘણીવાર તે છોકરીઓને એકબીજા સાથે જાતીય સંબંધો બાંધવા માટે પણ મજબૂર કરતો
ફરિયાદ કરનાર પીડિતાના જણાવ્યા મુજબ, દરેક શોષણ બાદ એપસ્ટેઈન તેને ૨૦૦ ડૉલર આપતો અને આસિસ્ટન્ટ મારફતે ઘરની બહાર મોકલી દેતો. આ ઉપરાંત, એપસ્ટેઈન અને તેના માણસો પીડિતાઓને ઘરે ફોન કરીને દબાણ કરતા અને જો તેઓ ફોન ન ઉપાડે તો તેમનું લોકેશન ટ્રેક કરવાનો પ્રયાસ કરતા. પીડિતાઓ પર અન્ય સગીર છોકરીઓને નેટવર્કમાં લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું અને ઈનકાર કરવા પર ધમકીઓ આપવામાં આવતી હતી.
આંતરરાષ્ટ્રીય મીડિયાના સત્તાવાર અહેવાલો અનુસાર, જેફરી એપસ્ટેઈન જે પહેલા સ્કૂલ શિક્ષક હતો તે જાતીય ગુનેગાર બન્યો હતો. ૨૦૦૫માં તેના પર સગીર વયની છોકરીઓના જાતીય શોષણના પ્રથમ આરોપો લાગ્યા હતા. ૨૦૦૬માં તપાસ શરૂ થઈ જેમાં તેના શક્તિશાળી લોકો સાથેના સંબંધો ખૂલ્યા હતા. ૨૦૦૮માં તેને સેક્સ ટ્રાફિકિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને ૧૮ મહિનાની સજા થઈ હતી. જોકે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી.
એપસ્ટેઈનની ૬ જુલાઈ ૨૦૧૯ના રોજ ધરપકડ કરવામાં આવી અને ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ન્યૂયોર્કની જેલમાં તે મૃત હાલતમાં મળી આવ્યો
૨૦૧૭માં 'મી ટૂ' ચળવળ વેગીલી બનતા એપસ્ટેઈન ફરીથી કાયદાના સાણસામાં આવ્યો હતો. સત્તાવાર માહિતી મુજબ, ૬ જુલાઈ ૨૦૧૯ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ન્યૂયોર્કની જેલમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં એપસ્ટેઈનની મુખ્ય સહયોગી ઘિસલેન મેક્સવેલને પણ અદાલતે દોષિત ઠેરવીને ૨૦ વર્ષની જેલની સજા ફટકારેલી છે. વર્જિનિયા જ્યુફ્રે અને પ્રિન્સ એન્ડ્રુ વચ્ચેના કેસમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું, જેમાં પ્રિન્સ એન્ડ્રુએ વર્જિનિયાની ચેરિટીમાં મોટી રકમ ચૂકવવાની સહમતી દર્શાવી હતી, જોકે તેમણે કોઈ પણ જવાબદારી સ્વીકારી નહોતી. ત્યારબાદ બ્રિટિશ રાજવી પરિવારે પ્રિન્સ એન્ડ્રુ પાસેથી તેમના સૈન્ય ખિતાબો અને શાહી દરજ્જો પાછો ખેંચી લીધો હતો.

(12:37 AM IST)