<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

સોના-ચાંદીના ભાવમાં કડાકો:ગોલ્ડ-સિલ્વર ETF 20% તૂટ્યા: રોકાણકારોને મોટો ઝટકો

કીમતી ધાતુઓમાં આવેલા આ કડાકાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી

શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે હવે સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓને પણ મોટો ઝટકો લાગ્યો છે. સોમવાર, 2 ફેબ્રુઆરીના રોજ ગોલ્ડ અને સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં ભારે વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને સિલ્વર ETFsના ભાવમાં 18થી 20 ટકા સુધીનો જંગી ઘટાડો થયો છે. એક તરફ શેરબજાર દબાણમાં છે અને વોલેટિલિટી ઇન્ડેક્સ (VIX) ઉછળીને 15.55 પર પહોંચી ગયો છે, ત્યારે કીમતી ધાતુઓમાં આવેલા આ કડાકાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે.

સોમવારની સવારે કીમતી ધાતુઓમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ફ્યુચર્સમાં મોટો ઘટાડો નોંધાયો છે:

સોનું એપ્રિલ એક્સપાયરી વાળા ગોલ્ડ ફ્યુચર્સ લગભગ 3% તૂટીને 1,43,335 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે સોનાએ 1,93,096 રૂપિયાનો ઓલ-ટાઈમ હાઈ બનાવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં સોનામાં લગભગ 26% એટલે કે 50,000 રૂપિયાનો ઘટાડો આવી ચૂક્યો છે. જૂન અને ફેબ્રુઆરી ફ્યુચર્સમાં પણ 3% થી 4% નો ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદી ચાંદીમાં ઘટાડો વધુ તીવ્ર છે. માર્ચ સિલ્વર ફ્યુચર્સ 6% તૂટીને 2,49,713 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. આ તેના રેકોર્ડ હાઈ (4,20,048 રૂપિયા) થી લગભગ 41% નીચે છે.

સોના-ચાંદીના ભાવ ઘટતાની સાથે જ ETFs માં કડાકો બોલી ગયો. જે ફંડ્સમાં થોડા સમય પહેલા જબરદસ્ત તેજી હતી, ત્યાં હવે લોઅર સર્કિટ લાગી રહી છે.

સિલ્વર ETFs: એડલવાઈસ, એક્સિસ, યુટીઆઈ (UTI), ડીએસપી (DSP), આદિત્ય બિરલા અને કોટક સિલ્વર ETFs માં લગભગ 20%નો ઘટાડો નોંધાયો છે. મિરાય એસેટ અને મોતીલાલ ઓસ્વાલ જેવા ફંડ્સ પણ 19% જેટલા તૂટ્યા છે. જ્યારે ICICI પ્રુડેન્શિયલ અને SBI સિલ્વર ETF 18% ઘટ્યા છે.

ગોલ્ડ ETFs: સોનાના ફંડ્સમાં પણ નરમાઈ છે. આદિત્ય બિરલા સન લાઈફ અને મોતીલાલ ઓસ્વાલ ગોલ્ડ ETF 9%થી વધુ તૂટ્યા છે. જ્યારે HDFC અને નિપ્પોન ઈન્ડિયા જેવા ફંડ્સમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે.

 

એક્સપર્ટ્સના મતે આ ઘટાડા પાછળ મુખ્યત્વે 3 મોટા કારણો જવાબદાર છે:

મુનાફાવસૂલી: ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ મોટા પાયે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. સાથે જ ડોલર મજબૂત થવાથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.

અમેરિકાના ફેડ ચેરમેન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેવિન વોશને ફેડરલ રિઝર્વના આગામી ચેરમેન તરીકે જાહેર કર્યા છે. કેવિન વોશ વ્યાજદરો અંગે કડક વલણ ધરાવે છે તેવું માનવામાં આવે છે. આ કારણે સોના-ચાંદી જેવી વ્યાજ ન આપતી એસેટ્સ પર દબાણ આવ્યું છે.

માર્જિનમાં વધારો: CME ગ્રુપે મેટલ ફ્યુચર્સ પર માર્જિન વધારવાની જાહેરાત કરી છે. ગોલ્ડ ફ્યુચર્સનું માર્જિન 6% થી વધારીને 8% અને સિલ્વરનું 11% થી વધારીને 15% કરવામાં આવ્યું છે. આનાથી ટ્રેડર્સ પર ફંડનું દબાણ વધશે.

(12:42 AM IST)