<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

અમેરિકાના પ્રખ્યાત ‘કેનેડી સેન્ટર’માં બ્લેક હિસ્ટ્રી મંથની ઉજવણી પર બ્રેક: ટ્રમ્પના આગમન સાથે જ વિવાદ શરૂ

સેન્ટરના નામમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ જોડતા કલાકારોનો બહિષ્કાર, માર્ટિન લ્યુથર કિંગની યાદમાં યોજાતા કાર્યક્રમો અન્ય સ્થળે ખસેડાયા

વોશિંગ્ટન,: અમેરિકાની શાન ગણાતા અને વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક કેન્દ્ર 'જોન એફ. કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ'માં આ વર્ષે એક મોટો શૂન્યાવકાશ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો, જે અમેરિકામાં 'બ્લેક હિસ્ટ્રી મંથ' (અશ્વેત ઇતિહાસ મહિનો) તરીકે ઉજવવામાં આવે છે, તેમાં આ વખતે કેનેડી સેન્ટરના સત્તાવાર કેલેન્ડરમાંથી તમામ સંબંધિત કાર્યક્રમો ગાયબ થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ સંસ્થામાં થયેલા વહીવટી ફેરફારોને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
નામ બદલાતા જ ભભૂક્યો રોષ: વિવાદની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી, જ્યારે ટ્રમ્પ દ્વારા નિયુક્ત ટ્રસ્ટી મંડળે આ સંસ્થાના નામમાં 'ડોનાલ્ડ જે. ટ્રમ્પ' ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે આ કેન્દ્રનું સત્તાવાર નામ "ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને જોન એફ. કેનેડી મેમોરિયલ સેન્ટર" થઈ ગયું છે. આ નિર્ણયથી નારાજ થઈને અનેક અશ્વેત કલાકારો અને સંગઠનોએ પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમો રદ કરી દીધા છે અથવા તો તેને અન્ય ખાનગી સ્થળોએ ખસેડી લીધા છે.
પરંપરાગત કાર્યક્રમોને લાગ્યું ગ્રહણ:
વર્ષોથી કેનેડી સેન્ટરમાં યોજાતો અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના વારસાને યાદ કરતો પ્રખ્યાત 'લિવિંગ ધ ડ્રીમ' કોન્સર્ટ આ વખતે સેન્ટરની બહાર યોજાઈ રહ્યો છે. આ સિવાય હોવર્ડ ગોસ્પેલ ગાયકવૃંદ જેવા મોટા જૂથોએ પણ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના સેન્ટરમાં પ્રદર્શન કરવાનો ઈનકાર કરી દીધો છે. ટીકાકારોનું કહેવું છે કે બ્લેક હિસ્ટ્રી મંથ જેવા સંવેદનશીલ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના કેન્દ્રની આ ચુપકીદી ઘણું બધું કહી જાય છે.
સંસ્થાનો બચાવ:
બીજી તરફ, કેનેડી સેન્ટરના વડા ડેબોરાહ રટરનું કહેવું છે કે સંસ્થા હવે એવા વ્યાપારી કાર્યક્રમો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેના માટે સ્પોન્સરશિપ સરળતાથી મળી રહે. જોકે, કલા જગતના નિષ્ણાતો આને કલાના રાજકારણ અને અશ્વેત ઇતિહાસની અવગણના તરીકે જોઈ રહ્યા છે.

(3:36 PM IST)