News of Tuesday, 3rd February 2026
દિલ્હી યુનિવર્સિટીમાં સંગ્રામ: નવા UGC નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આવતા જ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
SC-ST અને OBC વિદ્યાર્થીઓનો ભારે હોબાળો, હિંસાની આશંકાએ કેમ્પસમાં પોલીસ છાવણીમાં ફેરવાયું

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી (DU) અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અત્યારે વાતાવરણ અત્યંત તંગ છે. સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમો 2026 ના અમલીકરણ પર કામચલાઉ રોક (સ્ટે) લગાવતા જ OBC, SC અને ST સમુદાયના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મંગળવારે DU કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓએ 'જય ભીમ' અને 'નવા નિયમો લાગુ કરો' ના નારા સાથે માહોલ ગજવી દીધો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે દિલ્હી પોલીસે ચાર્જ સંભાળી લીધો છે.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ જાન્યુઆરી 2026 માં 'પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ' નામના નવા નિયમો બહાર પાડ્યા હતા. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ નિયમો લાગુ થવાથી ઉચ્ચ શિક્ષણમાં સામાજિક ન્યાય અને સમાન તકો સુનિશ્ચિત થશે. જોકે, સુપ્રીમ કોર્ટે આ નિયમોને 'અસ્પષ્ટ' ગણાવી તેના પર સ્ટે આપ્યો છે અને 2012 ના જૂના નિયમો મુજબ કામકાજ ચાલુ રાખવા આદેશ આપ્યો છે. આ નિર્ણયથી નારાજ વિદ્યાર્થીઓએ બ્રાહ્મણવાદ અને સામંતવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
JNU થી DU સુધી આક્રોશની જ્વાળા:
માત્ર દિલ્હી યુનિવર્સિટી જ નહીં, ચાર દિવસ પહેલા JNU માં પણ સાબરમતી હોસ્ટેલની બહાર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યાં બ્રાહ્મણવાદનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર વિરુદ્ધ વિવાદાસ્પદ બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે સરકાર જાણીજોઈને સામાજિક ન્યાયના અમલીકરણમાં વિલંબ કરી રહી છે.
હવે આગળ શું?
સુપ્રીમ કોર્ટે સરકાર અને UGC ને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કોર્ટનું માનવું છે કે નવા નિયમોનો દુરુપયોગ થઈ શકે છે અને તે સમાજમાં વિભાજન પેદા કરી શકે છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચ, 2026 ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યાં સુધી યુનિવર્સિટીઓમાં જૂના નિયમો જ અમલી રહેશે, જેને લઈને વિદ્યાર્થી સંગઠનોએ આંદોલન વધુ તેજ કરવાની ચીમકી આપી છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
